(અબરાર એહમદ અલવી)
અમદાવાદ,તા.૧૩
સુત્રોના જણાવ્યા અનુસાર ઉપરથી કોઈ કામદારે સિમેન્ટની થેલી નીચે નાખતા તે નીચે છોકરી ઉપર પડતા તેનાં માથામાં ઈજા થઈ હતી અને સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું.
શહેરના નિકોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ૯ વર્ષની બાળકી નીચે તેના એક વર્ષના ભાઈને સાચવતી હતી ત્યારે ઉપરથી સિમેન્ટની બોરી પડતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
નિકોલ પોલીસ સ્ટેશન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦ માળીયા ટાવરનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે શનિવારે સવારે આશરે ૯:૩૦ની આસપાસ સાઈટ ઉપર એક ૯ વર્ષની ગીતા સબૂર ભાઈ પરમાર નામની બાળકી તેનાં એક વર્ષના નાના ભાઈને સાચવતી હતી ત્યારે ઉપરથી કોઈ કામદારે સિમેન્ટની થેલી નીચે નાખતા તે નીચે છોકરી ઉપર પડતા તેનાં માથામાં ઈજા થઈ હતી અને સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું.
સાઈટ ઉપર કામ કરતાં કામદારોના કહેવા મૂજબ અહી બાળકોને સાચવવા માટે ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવામા આવેલ નથી. સેફ્ટીના સાધનો કામદારોને આપવામા આવેલાં નથી. સુત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ તુરત બધા કામદારોને હેલ્મેટ પહેરાવી દીધી હતી જેથી એવું કહી શકાય કે, અમે કામદારોની સેફ્ટી રાખીએ છીએ.
બનાવના પગલે કન્સ્ટ્રકશન સાઈટ પર હાજર સંચાલકોના જવાબદાર માણસોએ પરિવારને બનાવની જાણ પોલીસને ન કરવા દબાણ કર્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સાઈટ ઉપર અગાઉ પણ આ પ્રકારે કામદારોનાં અકસ્માતે મોત થયાં છે. આ સાઈટના કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા માટે મૃતકના કુટુંબીજનોએ પોલીસ સ્ટેશનમાં ધામાં નાખ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ અગં કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું…!