સુરતમાં ૧૦ માસનું બાળક રમતાં રમતાં ફુગ્ગો ગળી જતાં મોતને ભેટ્યું, સિવિલમાં માતાનું હૈયાફાટ રુદન
૧૦ મહિનાના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ડોક્ટરે તેની તપાસ કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે બાળક ફુગ્ગો ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોંટી ગયું હતું, જેને લઇ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સુરત,
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના દસ માસનું બાળક ફુગ્ગાની નાની ગોટી ગળી જતાં મોતને ભેટ્યું છે. બાળકને લઈ માતા સિવિલ હોસ્પિટલ આવી તો સિવિલના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
દરેક નાના બાળકની નાનામાં નાની સારસંભાળ લેવી ખૂબ જરૂરી બની ગયું છે. નાનાં બાળકોની સંભાળ પાછળ થોડી પણ ચૂક રહી જતાં મોટું સ્વરૂપ ધારણ કરી જાય છે. આવો જ માતા-પિતાને ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચલથાણ વિસ્તારમાં આવેલા શિવસાઈ બિલ્ડિંગમાં રહેતા ૧૦ માસના બાળક સાથે ઘટના બની છે. બાળક રમતાં રમતાં રબરનો ફુગ્ગો ગળી જતાં તેનું મોત થયું છે. ૧૦ માસનું બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયંસુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો. દરમિયાન રમતાં રમતાં ૧૦ માસના બાળકે ફુગ્ગો મોઢામાં નાખી દીધો હતો અને એનું રબર ગળામાં ફસાઈ ગયું હતું, જેથી તેની માતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકના વિલાપમાં માતાના આક્રંદથી સિવિલ પરિસર ધ્રૂજી ઊઠ્યું હતું.
૧૦ માસનું બાળક આદર્શ પાંડે અને તેનો ભાઈ ખૂબ જ આનંદથી રમી રહ્યા હતા. ભાઈ સાથે રમતો જાેઈ માતા ઘરનું કામ કરવા માટે રસોડામાં ગઈ હતી. ત્યાં તો થોડી જ વારમાં ૧૦ માસનું બાળક જાેર જાેરથી રડવા લાગ્યું, જેથી માતા દોડીને પોતાના દીકરા પાસે આવી, જ્યાં અઢી વર્ષના પ્રિયાંશુએ માતાને જણાવ્યું કે આદર્શ નાના ફુગ્ગાને મોઢામાં ગળી ગયો છે, જેથી માતાએ ફુગ્ગો બહાર કાઢવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ એ નીકળ્યો નહીં. જેથી તાત્કાલિક સારવાર માટે ૧૦ માસના બાળકને ગળામાંથી રબર બહાર કઢાવવા તેની માતા ફૂલકુમારી પાંડે બાળકને લઈ જુદી જુદી હોસ્પિટલ પહોંચી હતી. માતા બાળકની બગડતી તબિયત જાેઈ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી. ચલથાણ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, ન માત્ર ચલથાણ, પરંતુ આસપાસની નજીકની પાંચ જેટલી હોસ્પિટલોમાં પોતાના બાળકને બચાવવા માટે લઈ ગઈ હતી, પરંતુ તમામ હોસ્પિટલોમાંથી તેને યોગ્ય જવાબ ન મળતાં આખરે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવો પડ્યો હતો. જ્યાં એટલું મોડું થઈ ગયું હતું કે ફરજ પરના તબીબોએ આદર્શને મૃત જાહેર કર્યો હતો.
૧૦ મહિનાના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ડોક્ટરે તેની તપાસ કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે બાળક ફુગ્ગો ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોંટી ગયું હતું, જેને લઇ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પીએમ અર્થે બાળકના મૃતદેહને મોકલવામાં આવ્યો છે. પીએમ બાદ ચોક્કસ કારણ સામે આવશે.