પોલીસ તપાસમાં આ ઘટનાના રહસ્ય પરથી પરદો ઊંચકી જતા સનસનાટી મચી જવા પામી હતી.
યાસીને પ્લાન બનાવીને પીકઅપ વાન મૃતક શૈલેષ પ્રજાપતિ પર ચઢાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો
અમદાવાદ,
અમદાવાદના વસ્ત્રાલમાં થોડા દિવસ અગાઉ હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટનામાં બેફામ સ્પીડે આવતી પીકઅપ વાન ચાલકે યુવાનને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિ નામનો યુવાન કાળનો કોળિયો બની ગયો હતો. આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં પત્નીએ જ અકસ્માતના બહાને પતિને પતાવી દીધો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે.
આ અંગે જાણ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. મૃતક યુવાનની પત્નીએ પ્રેમી સાથે મળીને રૂપિયા 10 લાખની સોપારી આપી હતી. ત્યારબાદ પતિનું હિટ એન્ડ રનના નામે કાસળ કાઢી નાખ્યું હોવાનો ધડાકો થયો છે. પોલીસ તપાસમાં આ ઘટનાના રહસ્ય પરથી પરદો ઊંચકી જતા સનસનાટી મચી જવા પામી હતી. જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આ મામલે કશુ અજુગતું લગતા તેમણે ઊંડી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માત નહિ પરંતુ હત્યા હોવાની ક્રાઈમ બ્રાન્ચને કાને વાત પડી હતી. યુવાનની પત્ની શારદા અને તેનો પ્રેમી નીતિન પ્રજાપતિએ જ હત્યા માટે સોપારી આપી હોવાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં બંનેએ ગોમતીપુરમાં રહેતા યાસીનને અકસ્માત કરાવવા 10 લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું હતું.
યાસીને પ્લાન બનાવીને પીકઅપ વાન મૃતક શૈલેષ પ્રજાપતિ પર ચઢાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે મૃતકની પત્ની સહિતનાઓની આગવી ઢબે પૂછતાછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં આરોપી નીતિન પ્રજાપતિ અને મૃતક શૈલેષ પ્રજાપતિ એક જ ગામના હતા અને અઢી વર્ષથી આરોપી નીતિન તેમના ઘરે આવતો જતો હતો. જેમાં નીતિનને મૃતક શૈલેશની પત્ની શારદા સાથે આંખ મળી ગઇ હતી. ત્યારબાદ બંને મળતા પણ હતા જેમાં 2 વર્ષ અગાઉ શૈલેષને પ્રેમ સબંધ અંગે જાણ થતા પતિ પત્નીમાં અવારનવાર માથાકૂટ થતી હતી જેથી પ્રેમસબંધમાં આડખીલી રૂપ પતિનો રસ્તાઓ કાઢવા હત્યા અંગેનો પ્લાન 6 માસ અગાઉ બનાવ્યા બાદ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે મૃતકના પત્ની અને પ્રેમીને દબોચી લીધા છે જ્યારે આરોપી યાસીનની તપાસ હાથ ધરી છે.