અમદાવાદના મુસા સુહાગ કબ્રિસ્તાનમાં હવેથી નહીં લેવાય 0થી 1 વર્ષ સુધીના બાળકની કબર ખોદવાના પૈસા
અમદાવાદ,
શહેરના શાહીબાગ ખાતે આવેલ મુસા સુહાગ કબ્રિસ્તાનમાં 0થી 1 વર્ષના બાળકની કબર ખોદવાનાં 700 રૂપિયા લેવાતા હતા જે હવેથી નહીં લેવાય. 0થી 1 વર્ષ સુધીના બાળકની કબર ખોદવાના પૈસા લેવાની બાબત સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખના ધ્યાને આવતા તેમણે આ વાત એડવોકેટ શમશાદ પઠાણ અને એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણને કરી હતી અને જણાવ્યું કે અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ કમેટી તરફથી 0થી 1 વર્ષની કબર ખોદવાનાં 700 રૂપિયા લેવામાં આવે છે. જ્યારે 0થી 1 વર્ષના બાળકની કબર બહુ ઊંડી ખોદવાની હોતી નથી. એડ્વોકેટ શમશાદ પઠાણ અને એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણની સલાહ મુજબ એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણ, એડવોકેટ ગુલામ સાબિર શેખ અને સંજરી એક્સપ્રેસના તંત્રી આમિર શેખ અહમદબાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના ચેરમેન રિઝવાન ભાઈ કાદરીને રજુઆત કરવા ગયા હતા. તેમણે કરેલી રજૂઆતને ચેરમેન રિઝવાન ભાઈ કાદરીએ પોઝિટિવલી સાંભળેલી અને જણાવ્યું હતું કે જો કબર ખોદનાર લોકો પૈસા ના લેતા હોય તો કમિટી પણ વહીવટી ચાર્જ નહીં લે. જેથી એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણ અને એડવોકેટ ગુલામ સાબિર શેખ સાથે અજજુ શેખ અને આમિર શેખ મુસા સુહાગ કબ્રિસ્તાન ખાતે કબર ખોદવાનું કામ કરતાં યાસીન ભાઈ, નાસીર ભાઈ, હૈદર ભાઈ અને એહમદ ભાઇને મળવા ગયા હતા અને તેમની સાથે વાત કરતાં આ તમામ લોકો તરત જ 0થી 1 વર્ષના બાળકોની કબર વગર પૈસે ખોદવા રાજી થઈ ગયા અને તે માટે તેમણે આ અંગે એહમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીને અરજી આપી પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પરિણામે મુસા સુહાગ કબ્રિસ્તાનમાં 0 થી 1 વર્ષના બાળકની કબર ખોદવાનાં 700 રૂપિયા લેવાતા હતા જે હવેથી નહીં લેવાય. આ માટે કબર ખોદનાર લોકો યાસીન ભાઈ, નાસીર ભાઈ, હૈદર ભાઈ અને એહમદ ભાઇ તથા ચેરમેન રિઝવાન ભાઈ કાદરીનો વિશેષ આભાર માન્યો હતો.