(અબરાર એહમદ અલવી)
“હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ) જન્મ 14 રજ્જબ હી.સ. 790માં મુલ્તાનમાં થયો હતો. આપે હઝરત રાજુ કત્તાલ (રેહમતુલ્લાહ અલૈહ) પાસેથી તાલીમ હાસલ કરી હતી.
અમદાવાદ શહેરના વટવા ખાતે “હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)નું મજાર શરીફ આવેલ છે. આપ હજરતનું મુબારક નામ અબદુલ્લાહ છે અને આપ કુત્બેઆલમના લકબથી મશહુર છે. આપ હઝરત જહાંનીયા જહાંગશ્ત (રેહમતુલ્લાહ અલૈહ)ના પૌત્ર છે. આપ હુસેની સાદાત છે. આપના પિતાનું નામ “હઝરત મખ્દુમ નસીરુદ્દીન મહમૂદ નૈશાહ” (રેહમતુલ્લાહ અલૈહ) છે. આપનો જન્મ 14 રજ્જબ હી.સ. 790માં મુલ્તાનમાં થયો હતો. આપે હઝરત રાજુ કત્તાલ (રેહમતુલ્લાહ અલૈહ) પાસેથી તાલીમ હાસલ કરી હતી. હઝરત રાજુ કત્તાલ (રેહમતુલ્લાહ અલૈહ)ની હિદાયતથી ગુજરાત આવવા માટે વતનને અલવીદા કહ્યું અને મુઝ્ઝફર શાહ અવ્વલના સમયમાં ગુજરાતના પાટણમાં તશરીફ લાવ્યા.
તે સમયે હઝરત બાબા ફરીદ ગંજે શકરના વંશજ હઝરત રૂકનોદ્દીન (રેહમતુલ્લાહ અલૈહ) લોકોના આકર્ષણનું કેન્દ્ર હતા. હઝરત રૂકનોદ્દીન (રેહમતુલ્લાહ અલૈહ)ના માર્ગદર્શન હેઠળ હઝરત બુર્હાનુદ્દીન કુત્બેઆલમ બુખારી (રેહમતુલ્લાહ અલૈહ) ત્યાં મુજાહેદાદ અને રિયાઝતો શરૂ કર્યા હતા. જેની જાણ જ્યારે મુઝ્ઝફર શાહ અવ્વલને થઈ ત્યારે તે ખુબ જ ખુશ થયા અને કુત્બેઆલમ (રેહમતુલ્લાહ અલૈહ)ની ઘણી તાઝીમ કરતો હતો.
સુલ્તાન એહમદશાહ બાદશાહે જયારે અમદાવાદ શહેરની સ્થાપના કરી તો કુત્બેઆલમ બુખારી (રેહમતુલ્લાહ અલૈહ) અમદાવાદ આવ્યા હતાં. અમદાવાદના વટવા વિસ્તારમાં વસવાટ કર્યો. આપનો મઝાર પણ વટવા વિસ્તારમા જ આવેલો છે.
આપની એક પ્રખ્યાત કરામત
આપની એક પથ્થરની પ્રખ્યાત કરામત છે. કુત્બેઆલમ બુખારી (રેહમતુલ્લાહ અલૈહ) એક રાતે ઉઠયા ત્યારે આપને પગમાં ઠોકર લાગી અંધારૂ હોવાને કારણે આપને દેખાયું નહી જેથી આપે કહ્યું “લોહ હૈ” એટલે લોખંડ છે, પથ્થર હૈ, યા લકકડ હૈ. તે એક પથ્થર હતો પરંતુ આપના મોઢેથી નીકળેલી વાતના લીધે આ પથ્થરમાં ત્રણેય વસ્તુ આજે પણ સમાયેલી છે. આજે પણ આપની આ કરામતનો એ પત્થર દરગાહ પર એક ઓરડીમાં રાખવામાં આવેલ છે જેનો ફૈઝ જારી છે. લોકો ખુબ જ આસ્થાથી આ પથ્થરને ઉપાડે છે. એવુ કહેવાય છે કે, જે તમારી માનતા હોય છે તે પુરી થવાની હોય છે તો પથ્થર ઉઠી જાય છે અને જો માનતા પુરી ન થવાની હોય તો પથ્થર નથી ઉઠતો.
આપનો શાનદાર મઝાર અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલો છે. મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો અંહી હાજરી આપે છે અને ફૈઝ હાસલ કરે છે.