મેટ્રોપોલિટન કોર્ટે ૨૫ વર્ષ પહેલા ધિરાણ મેળવીને કરેલ ઠગાઈ મામલે દંપતીને ૭ વર્ષની સજા અને રૂપિયા ૫૦-૫૦ હજાર દંડ ફટકાર્યો
૮૯ લાખની ઠગાઈ કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે સિનિયર સિટીઝન દંપતીને ૭ વર્ષની સજા અને રૂપિયા ૫૦-૫૦ હજાર દંડ ફટકાર્યો
અમદાવાદ, તા. ૯
૨૫ વર્ષ પહેલા અમદાવાદ શહેરના આશ્રમરોડ પર આવેલી ફેડરલ બેંકમાં ખોટા દસ્તાવેજોના આધારે ધિરાણ મેળવીને રૂ. ૮૯ લાખની ઠગાઈ કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટમાં સિનિયર સિટીઝન દંપતીને ૭ વર્ષની સજા અને રૂપિયા ૫૦-૫૦ હજાર દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો છે.
મેટ્રોપોલિટન કોર્ટે સજા ફટકારતા કહ્યું કે, આરોપીઓએ ફેડરલ બેંકમાંથી ખોટા દસ્તાવેજોના આધારે કેશ ક્રેડિટ –ધિરાણ મેળવીને ગુનો આચર્યો હોવાનું પુરવાર થાય છે. જો તેમની સજા ઓછી કરવામાં આવે તો છેતરપિંડી કરનારાઓને પ્રોત્સાહન મળશે. કડ઼ક સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે.
શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા આરોપી દીપક પંડ્યા અને છાયાબેન પંડ્યાએ આશ્રમરોડ પર આવેલી બેંકમાં વર્ષ ૧૯૯૯માં બોગસ દસ્તાવેજોના આધારે ૮૯ લાખની લોન લીધી હતી. જોકે, લોન ન ભરતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. દંપતી વિરૂદ્ધ તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરી અદાલતમાં ચાર્જસીટ રજૂ કરી હતી. ૧૫ સાક્ષીઓ અને ૯૪ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)