Safeer News

Breaking News from Ahmedabad

દેશ

૩૦ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી, કામ સિવાય બહાર નીકળવું નહીં

આઈ.એમ.ડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે.

ગાંધીનગર/જયપુર, તા. ૨૮

દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગએ ફરી એકવાર હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા દેશના પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં ૩૦ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩૦ એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ ગંગાના કિનારે ઓડિશાના કેટલાક ભાગો અને ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિની સંભાવના છે.

આઈ.એમ.ડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. ૨૮થી ૨૯ એપ્રિલ દરમિયાન કોંકણ, ગોવામાં અને ૨૮-૩૦ એપ્રિલ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમમાં પણ સમાન હવામાનની સંભાવના છે.

ઝારખંડમાં હવામાન કચેરીએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાની આગાહી કરી છે. કોલ્હન, સંથાલ અને ઉત્તર છોટા નાગપુર ડિવિઝનમાં ૨૯ એપ્રિલ સુધી તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે. સ્કાયમેટ વેધર અનુસાર આગામી ૨ દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.

અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના ભાગોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે. પંજાબના ઉત્તરીય ભાગોમાં બે વાર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

 

(જી.એન.એસ)