સમિતિની રચના થઈઃ આખું વર્ષ વિવિધ કાર્યક્રમો યોજાશે
પહેલી જુલાઈ, 2021, ગુરુવારના શુભ દિવસે ગુજરાતી અખબારી પત્રકારત્વ બસોમા વર્ષમાં પ્રવેશ કરે છે. પહેલી જુલાઈ, 1822ના રોજ મોબેદ ફરદુનજી મર્ઝબાનજીએ મુંબઈ સમાચારનો પ્રારંભ કર્યો હતો. એક વખત શરૃ થયા પછી, અવિરત ચાલુ હોય તેવું માત્ર ભારતનું નહીં, સમગ્ર એશિયા ખંડનું અખબાર મુંબઈ સમાચાર છે.
ગુજરાતી અખબારી પત્રકારત્વ બે સદી પૂરી કરે છે એ ઘટના ઐતિહાસિક છે તેમ સીમાચિહ્નરૃપ છે. ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને ગુજરાત પ્રદેશ માટે આ ગાૈરવ અને આનંદની ઘડી છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવાના હેતુથી જ ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિની એક વર્ષ માટે રચના કરવામાં આવી છે. પહેલી જુલાઈ, 2021થી 30મી જૂન, 2022 સુધી આ સમિતિ કાર્યરત રહેશે અને વિવિધ કાર્યક્રમો કરશે. એ પછી આ સમિતિનું વિસર્જન થશે.
200 વર્ષનું ગુજરાતી અખબારી પત્રકારત્વ ભવ્ય અને દિવ્ય છે. તેમાં જુસ્સો છે, ખમીર છે અને પત્રકારત્વ માટેની ખુવારી પણ છે. ફરદુનજી મર્ઝબાનજીથી વાસુદેવ મહેતા સુધી એક-એકથી ચડિયાતા સંપાદકો અને તંત્રીઓ ગુજરાતી ભાષાને મળ્યા છે. ગુજરાતી પત્રકારત્વ રંગીન અને સંગીન છે. તેમાં ઘીના દીવાનો ઉજાસ છે તો મશાલની ભળભળતી જ્યોત પણ છે. તેમાં પ્રતિબદ્ધતા, નિસબત અને પ્રતિભાનો ઝળહળ પ્રકાશ પણ છે. ગુજરાતી ભાષકોને ભારોભાર ગાૈરવ થાય તેવા છે ગુજરાતી અખબારોના પૂર્વસૂરિઓ દરેકની છાતી ગજ ગજ ફૂલે તેવા છે ગુજરાતી અખબારી ક્ષેત્રના પૂર્વજો તેમના પરાક્રમોસમા પત્રકારત્વને વાગોળીને તેમાંથી શક્ય તેટલી પ્રેરણા લેવાનો આ રળિયામણો અવસર છે.
જન્મભૂમિ ગ્રુપના તંત્રી શ્રી કુંદન વ્યાસ આ સમિતિના પ્રમુખપદે તથા જાણીતા પત્રકાર-લેખક અને પત્રકારત્વના શિક્ષક રમેશ તન્ના સમિતિના સંયોજક તરીકે ફરજ બજાવશે. ગુજરાતી અખબારી વિશ્વમાંથી 33 જેટલા તંત્રીઓ-સંપાદકો તથા પ્રતિષ્ઠિત કોલમ લેખકો આ સમિતિમાં પરામર્શક તરીકે પોતાની સજ્જતા અને અનુભવનો લાભ આપશે. (આ સાથે એની યાદી પણ આપને મોકલી રહ્યા છીએ.)
કોરોના ઓસરી જાય એ પછી. યોગ્ય સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૃપાણીના વરદ હસ્તે આ સમિતિના નેજા હેઠળ, મુંબઈ સમાચારનું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવાશે.
લગ્નનાં ગીત લગ્નના દિવસે તો ગાવાં જ જોઈએ, એ ન્યાયે પહેલી, જુલાઈ 2021ના રોજ સમિતિ તરફથી “મુંબઈ સમાચાર ફરદુનજી મરઝબાનની પરાક્રમી પહેલ ” એ વિષય પર વેબિનારનું આયોજન કરાયું છે. આ વર્ચ્યુઅલ સેમિનારમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો પ્રાસંગિક સંદેશ વીડિયો દ્વારા રજૂ કરાશે.
સમિતિ દ્વારા આખા વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજાશે. બે સદીનું ગુજરાતી અખબારી પત્રકારત્વ એ વિષય પર એક સંપાદિત ગ્રંથનું પ્રકાશન કરવાનું પણ આયોજન છે. આ ગ્રંથમાં 200 વર્ષના ગુજરાતી અખબારી પત્રકારત્વના પડાવો અને મૂકામો આવી જાય તે રીતે સંપાદન-આલેખન કરાશે. વર્ષ દરમિયાન ગુજરાતની તમામ પત્રકારત્વની સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે નિબંધ સહિતની સ્પર્ધાઓ યોજાશે જેથી નવી પેઢીને 200 વર્ષના ગુજરાતી પત્રકારત્વનો પરિચય થાય.
જો શક્ય હશે તો મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ, ભૂજ અને આણંદમાં વર્ષ દરમિયાન પરિસંવાદો કરાશે.
કોરોનાને કારણે શક્ય હશે ત્યાં સુધી તમામ કાર્યક્રમો વર્ચ્યુઅલ કરાશે.