(અબરાર એહમદ અલવી)
કેન્દ્ર સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે તે સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો છે. કારણ કે એક જ રાજ્ય આસામ બાકી હતું અને ગઇ કાલ ત્યાં પણ આ યોજના શરૂ કરી દેવામાં આવી છે અને ખાદ્ય મંત્રાલયની જાહેરાત મુજબ હવે આખા દેશમાં આ સેવા શરૂ થઈ ચૂકી છે.
મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે દેશમાં ગમે ત્યાં રાશનકાર્ડના લાભાર્થીઓ ઇલેક્ટ્રોનિક પોઇન્ટની વ્યવસ્થા સાથેની રાશનની દુકાન પરથી સબસીડીવાળા અનાજનો જથ્થો પોતાના હક મુજબ મેળવી શકશે. જો કે લાભાર્થીઓએ બાયોમેટ્રિક પ્રમાણપત્ર અને સાથોસાથ વર્તમાન રાશન કાર્ડનો ઉપયોગ પણ કરવાનો રહેશે.
વધુમાં વધુ લોકો તેનો લાભ લઇ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા “મેરા રાસન” નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ પણ કરી દીધી છે જેના પરથી લાભાર્થીઓને વાસ્તવિક સમય પર બધી જ માહિતી મળી જશે.
દેશમાં કુલ 13 ભાષાઓમાં એપ્લિકેશન અત્યારે ઉપલબ્ધ છે અને ગુગલ સ્ટોર પરથી 20 લાખથી વધુ વખત તેને ડાઉનલોડ કરવામાં આવી છે અને વધુમાં વધુ લાભાર્થીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે સમગ્ર દેશમાં આ સેવા શરૂ થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર સરકારનો બહુ મોટો કાર્યક્રમ સફળ થઈ ગયો છે.