દિવસેને દિવસે સાયબર ઠગ લોકોને અનેક રીતે ફસાવી રહ્યા છે
ભારતમાં સાયબર ગુનેગારો હવે હનીટ્રેપમાં જાળ બિછાવીને લોકોને બ્લેકમેલ કરી ફસાવી રહ્યા છે. આ ફસયેલા લોકો શરમના ડરથી લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. અત્યારે સાયબર ગુનેગારોની ગતિવિધિ સતત વધી રહી છે. ભારતમાં રોજ અનેક કેસો થઇ રહ્યા છે અને આવા ગુનાઓની ફરિયાદ પણ હવે થવા લાગી છે. આવી ઘટનાઓ વારંવાર બને છે તેમ છતાં પણ લોકો સાવચેત રહેતા નથી. સોશ્યિલ મીડિયામાં મહિલા અને છોકરીઓના ખોટા એકાઉન્ટ બનાવીને મોટાભાગે પુરુષોને ટાર્ગેટ કરવામાં આવે છે અને આ જાળમાં કેટલાક પુરુષો ફસાય જાય છે.
અત્યારે સોશિયલ મીડિયાનું ચલણ ખુબ જ વધી ગયું છે ત્યારે દિવસેને દિવસે સાયબર ઠગ લોકોને અનેક રીતે ફસાવી રહ્યા છે. લોકો તેમના મોબાઈલમાં મેસેજ કરીને મિત્રતા કરી રહ્યા છે. જ્યારે મિત્રતા વધે છે, ત્યારે વિડીયો કોલ દ્વારા જાતીય પ્રવૃત્તિઓ ઉશ્કેરવામાં આવે છે. આમ કરવાથી તેમનો વીડિયો સ્ક્રીન રેકોર્ડર દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. જે બાદ આ વીડિયો ફરી તેમને મોકલવામાં આવે છે અને તેમને સમાજમાં બદનામ કરવાનો ડર બતાવવામાં આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર પહેલા ઓછી રકમની માંગણી કરીને શોષણ કરવામાં આવે છે. જે પછી આ સિલસિલો સતત ચાલુ રહે છે. ઘણી વખત લોકો લાખો રૂપિયા ગુમાવ્યા પછી પોલીસ પાસે આવે છે. આ લોકો તેમને બચાવવા માટે પોલીસને વિનંતી કરે છે. તે જ સમયે, લોકો ઘણીવાર ફક્ત આ જાળમાંથી છૂટકારો મેળવવા માંગે છે. આવી સ્થિતિમાં તે પોતાની સામાજિક પ્રતિષ્ઠાને ટાંકીને કેસ દાખલ કરતો નથી. આવી સ્થિતિમાં પોલીસ માટે ગુનેગારોને પકડવાનું પણ આસાન નથી.
આવા મામલામાં સાયબર ઠગ એટલા હોંશિયાર છે કે તેઓ જે ખાતામાં પૈસા માંગે છે તેનો સાયબર ઠગ સાથે કોઈ સીધો સંબંધ હોતો નથી. આવી સ્થિતિમાં પોલીસ એવા લોકો સુધી પહોંચે છે, જેમના ખાતામાં પૈસા જમા થયા હોય છે. આ પછી પણ તે મુખ્ય ગુનેગાર સુધી પહોંચી શકતા નથી. બીજી તરફ છોકરા-છોકરીઓ મેસેજ કરીને પ્રેમની માયાજાળમાં ફસાયા છે. જે બાદ તેમને તેમના અશ્લીલ ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવે છે. જેમાં છોકરીઓ વધુ શિકાર બને છે. પોલીસના જણાવ્યા અનુસાર, આવી ગેંગ મોટાભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત છે. ઘણી વખત પોલીસ કેસ ટ્રેક કરીને ગુનેગારો સુધી પહોંચી છે.
આજે યુવક અને યુવતીના હાથમાં મોબાઈલ આવી ગયા છે ત્યારે યુવકો આ મોબાઈલનો દુરુપયોગ કરીને યુવતીઓને બ્લેકમેલ કરે છે. પહેલા યુવતી અજાણ્યા યુવકના વાતમાં આવી જાય છે અને ધીરે ધીરે તેની ચાલમાં ફસાઈ જાય છે. ઘણા મામલામાં તો એવું પણ બને છે યુવકે યુવતી પર વારંવાર દુસ્કર્મ ગુજાર્યું હોય છે તેનો વિડિઓ પણ ઉતારીને બ્લેકમેલ કરવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ રોજ બને છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતી યુવતીઓએ ખાસ પોતાની સુરક્ષા રાખવી જોઈએ અને યુવાનો તેમજ લોકોએ પણ અજાણ્યા નંબર પરથી કોઈ મેસેજનો રીપ્લાય ન આપવો જોઈએ કે મિત્રતા ન કરવી જોઈએ.