સુરત,તા.૨૦
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જાેડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. આજે અડાજણ-રાંદેરમાંથી ૪૦૦ કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જાેડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના સુરતમાંથી છેલ્લા દોઢ મહિનામાં ૧૦૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જાેડાયા છે.
અડાજણ રાંદેર વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લેતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ જ નબળું છે તે વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જાેડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જાેડાવા પાછળના જે કારણ બહાર આવી રહ્યો છે તે લોકોને પ્રાથમિક સુવિધા જે પ્રમાણે મળવી જાેઈએ તે મળી રહી નથી અને તેના કારણે સ્થાનિક સોસાયટીઓના પ્રમુખોમાં પણ ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ જાેડાયા હતા. ૪૦૦ કરતા વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં જ અડાજણ વિસ્તારની હિમગીરી સોસાયટીની બહાર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ વિસ્તાર મેયરનો વિસ્તાર છે અને તેમાં જ હવે ધીરે ધીરે ભાજપ તરફે લોકોનો રોષ વધી રહ્યો છે.