વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું, મારા દ્વારા શરૂ કરાવાયેલ અંગ્રેજી માધ્યમની બે શાળાઓ કાળુપુર બાકરઅલીની પોળ અને દરિયાપુર રાવ પબ્લિક સ્કુલમાં આજે ૧,૬૦૦ બાળકો અભ્યાસ કરે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્સ પગારના શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્યોની ક્ષમા યાચના માંગતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
સરકારી શાળાઓમાં ક્વોલીટી એજ્યુકેશન, પૂરતી સુવિધાઓ, ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રેઈન શિક્ષકો ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગ
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, કોરોનાકાળ બાદ બે વર્ષ જે સ્થિતિ ઉભી થઈ તેના પરિણામે લોકોની આર્થિક સ્થિતિ બહુ નબળી થઈ છે. ગેસ હોય, પેટ્રોલ હોય, ખાદ્યતેલ હોય કે સ્કુલની ફી હોય તમામ બાબતે લોકોની હાલાકી વધી છે. કોરોના અને બેકારીના પરિણામે મોંઘવારીની સીધી અસર શિક્ષણ ઉપર પડી છે. આજે ખાનગી શાળાઓમાં શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે. આર્થિક બેહાલીના કારણે લોકો ખાનગી શાળામાંથી પોતાના બાળકોને ઉઠાડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવા મજબુર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં જોડાયા હોવાની જાહેરાત કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્સ પગારના શિક્ષકોથી ચાલે છે.
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, મોંઘવારીના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. સરકારી શાળાઓની સ્થિતિથી સહુ કોઈ વાકેફ છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૨૦૦ કરતાં વધારે શાળાઓ બંધ છે. વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં સ્થાનિક આગેવાનો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ચર્ચા-વિચારણા કરી દરિયાપુર વિસ્તારમાં જ અંગ્રેજી માધ્યમની બે શાળાઓ કાળુપુર અને દરિયાપુર રાવ પબ્લિક સ્કુલ શરૂ કરાવી છે, જેનો લાભ આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ભાજપ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરી બંધ થયેલ શાળાઓને પુનઃ શરૂ કરવા માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવી, પૂરતા અને ટ્રેઈન શિક્ષકોની નિમણુંક કરવી જોઈએ, જેથી લોકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં અભ્યાસ કરવા પ્રેરાશે અને ગરીબ-સામાન્ય વર્ગના નાગરિકોને ખાનગી શાળાની ઊંચી ફી ભરવામાંથી મુક્તિ મળશે.
ધારાસભ્ય શેખે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા સત્રમાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૦૩ સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના નામે સરકારી શાળાઓને તાળા મરાય છે, પરંતુ ભાજપના મળતિયાઓની સેલ્ફ ફાયનાન્સ શાળાઓને પ્રોત્સાહન આપવા માટે જ સરકારી શાળાને તાળા મારવામાં આવે છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે દેશના ગરીબ-સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો હતો જ્યારે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે.
ધારાસભ્ય શેખે વધુમાં જણાવ્યું હતું કે, મોંઘવારીના કારણે લોકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં આવી રહ્યા છે ત્યારે બાળકોનું ભવિષ્ય ન બગડે અને મોંઘા શિક્ષણને કારણે અટકે નહીં અને આગળ વધી શકે, પ્રગતિ કરી શકે, હરીફાઈમાં ટકી શકે અને અન્ય લોકો સાથે ખભેખભા મિલાવી શકે, તેમને સમાન તક મળી રહે તે માટે સરકારી શાળાઓનું સ્તર સુધારવામાં આવશે તો ગરીબ-સામાન્ય વર્ગના લોકોને પણ આર્થિક રીતે રાહત મળશે.
આજે ચૌદમી ગુજરાત વિધાનસભાના છેલ્લા સત્રના છેલ્લા દિવસે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તમામ સાથી ધારાસભ્યોની વાણી-વર્તનથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે ક્ષમા યાચના કરી હતી. તમામ સાથી ધારાસભ્યોને ઈશ્વર સ્વાસ્થ્ય સાથે લાંબુ જીવન આપે અને જીવનના દરેક તબક્કે પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.