Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વિવિધ માંગો મુદ્દે ધરણા કાર્યક્રમમાં કેવડિયા ખાતે જઈ રહેલા આદિવાસી આગેવાનોને પોલીસ દ્વારા અટકાવી ડીટેન કરવામાં આવ્યા

સાજીદ સૈયદ, નર્મદા

પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડ. ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે કેવડિયા ખાતે શાળાના મેદાનમાં પ્રતિક ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેવા રાજ્યભરમાંથી અલગ અલગ સંગઠનોના આદિવાસી આગેવાનો ભેગા થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમની પૂર્વરાત્રીએ નર્મદા પોલીસે આ કાર્યક્રમમાં આગેવાનોને જતા અટકાવવા કેવડિયા જવાના તમામ રસ્તાઓ બેરીકેટ મૂકી બ્લોક કરી દીધા હતા, અને કેવડિયા તરફ જતી દરેક ગાડીનુ સઘન ચેકીંગ કર્યા બાદ પૂછપરછ કરી જવા દેવામાં આવતી હતી. જ્યારે આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં જતા આદિવાસી આગેવાન લખન મુસાફિર સહિત અન્ય લોકોને કેવડિયા જતા અટકાવવા રસ્તામાંથી ડીટેઇન કરી જીતનગર ખાતે રાખવામાં આવ્યા હતા. આ ધરણા કાર્યક્રમ આપનાર પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીને ભાણંદ્રા નજીકથી આગલી રાતે એરેસ્ટ કરી રેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલને નર્મદા પોલીસે ભમરી ગામ પાસેથી તેમની અટકાયત કરી પરત મોકલી દેવામાં આવ્યા હતા.

આ આંદોલનના મુખ્ય મુદ્દા SOUના 8 કિ.મી.નો જમીન ખરીદીનો કાયદો ફરીથી પ્રસ્થાપિત કરો, આદિવાસી વિસ્તારની સિવિલ હોસ્પિટલોનું ખાનગીકરણ બંધ કરો, યુ.સી.સી જેવા સમાજને વિભાજીત કરતા કાયદાઓ બનાવવાના બંધ કરો, નેશનલ હાઈવે 56 માટે જમીન મેળવવા બળજબરી બંધ કરો, વન અધિનિયમ કાયદો રદ કરો, પાર-તાપી રિવર લીંક યોજના બંધ કરો, આદિવાસી વિસ્તારમાં સત્તા મંડળનો કાયદો રદ્દ કરો અને આદિવાસીના પેસા કાનુનનું પાલન કરો, નર્મદા યોજનામાં જમીન ગુમાવનારોને કોઈ વળતર મળ્યુ નથી, પહેલા 6 ગામ, પાછળથી 34 ગામો અને હવે અભયારણને નામે, પ્રવાસન ધામના નામે આદિવાસીઓની જમીનો લેવાનું બંધ કરો. જેવા મુદ્દાને લઈને આ પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવનાર હતું.


ડો. શાંતિકર વસાવાને વડીયા જકાતનાકા પાસે અટકાવી દેવામાં આવ્યા

આદિવાસી આગેવાન અને આદિવાસી એકતા પરિષદના કાર્યકર ડૉ. શાંતિકર વસાવા કેટલાક લોકો સાથે નસવાડી ખાતે જઈ રહ્યા હતા ત્યારે તેમને પણ પોલીસ દ્વારા વડીયા જકાતનાકા પાસે અટકાવી દેવામાં આવતા તેમણે આ બાબતે ખુલાસો માંગતા તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેથી આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, પોલીસને એક દિવસ અગાઉ તોફાન થવાની ખબર હોવા છતાં નર્મદા જિલ્લાના સેલંબા ખાતે પરવાનગી વગર રેલી કાઢવા દેવામાં આવે છે, જ્યારે આજે અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સમાજના લોકો તેમના હક અધિકાર માટે શાંતિપૂર્ણ માહોલમાં ઉપવાસ આંદોલન કરવા માંગે છે તો તેમને અટકાવવામાં આવે છે, એનો અમે વિરોધ કરીએ છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ જેમ આ દેશને ગુલામ બનાવ્યો હતો, એમ ફરી આ દેશ ગુલામી તરફ જઈ રહ્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *