પીવાના પાણીના માટલાને સ્પર્શ કરવાથી બાળકને માર મારવામાં આવ્યો.
બાળકના પિતાએ કહ્યું કે, તેમના પુત્રના ચહેરા અને કાન પર ઇજા થઈ હતી અને તે લગભગ બેભાન થઈ ગયો હતો.
ઝાલોરના સાયલા થાના ક્ષેત્રમાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક દ્વારા માર મારવાને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ દુઃખદ છે.
રાજસ્થાન,તા.૧૪
રાજસ્થાનના ઝાલોરમાંથી દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકે પાણી પીવાના માટલાને હાથ લગાવવા પર ૯ વર્ષના અનુસૂચિત જાતિના બાળકને ખરાબ રીતે માર માર્યો જેના કારણે તેનું મોત થયું છે. આ ઘટનાની જાણકારી પોલીસે આપી છે. પોલીસે ૪૦ વર્ષના આરોપી શિક્ષક ચેલ સિંહની ધરપકડ કરી છે અને તેના ઉપર હત્યા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ આરોપ લગાવ્યા છે.
સુરાણા ગામમાં એક ખાનગી શાળામાં વિદ્યાર્થી ઇન્દ્ર મેઘવાલને ૨૦ જુલાઈના માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદની એક હોસ્પિટલમાં શનિવારના તેનું મોત થયું છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. ઝાલોરના પોલીસ અધિકારી હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યું કે, બાળકને ખુબ જ માર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જણાવવામાં આવી રહ્યું છે કે પીવાના પાણીના માટલાને સ્પર્શ કરવાથી બાળકને માર મારવામાં આવ્યો. તેમણે કહ્યું કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનું પણ ટ્વીટ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઝાલોરના સાયલા થાના ક્ષેત્રમાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક દ્વારા માર મારવાને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ દુઃખદ છે. આરોપી શિક્ષકની હત્યા તેમજ SC/ST એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે ઝડપી તપાસ તેમજ દોષિતને ઝડપી સજા મળે તે માટે ઓફિસર સ્કીમ હેઠળ કેસ હાથ ધરવામાં આવ્યો છે. પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. મૃતકના પરિવારજનોને ૫ લાખ રૂપિયા સહાય રકમ મુખ્યમંત્રી સહાયતા નિધિથી આપવામાં આવશે. બાળકના પિતાએ કહ્યું કે, તેમના પુત્રના ચહેરા અને કાન પર ઇજા થઈ હતી અને તે લગભગ બેભાન થઈ ગયો હતો. પિતાના જણાવ્યા અનુસાર તેને જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઉદેપુરની એક હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. બાળકના પિતા દેવારામ મેઘવારે કહ્યું કે, બાળક લગભગ એક અઠવાડિયા સુધી ઉદેપુરની હોસ્પિટલમાં દાખલ રહ્યો, પરંતુ કોઇ સુધારો ન દેખાતા અમે તેને અમદાવાદ લઇ ગયા હતા. તેની સ્થિતિમાં ત્યાં પણ કોઇ સુધારો થયો નહીં અને તેણે શનિવારના રોજ દમ તોડી દીધો. રાજ્યના શિક્ષણ વિભાગના બે અધિકારીઓને આ મામલે તપાસ કરી તેનો રિપોર્ટ બ્લોક શિક્ષણ અધિકારીને સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે.