સાજીદ સૈયદ, નર્મદા
બે માસમાં ચેકની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ
રાજપીપલા,તા.૦૯
નામદાર રાજપીપળા કોર્ટે રૂ.3.93 લાખના બે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને પુરે પૂરી ચેકની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે અને જો વળતરની રકમ 2 માસમાં ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજપીપળા કલિયભૂત પાસે રહેતા દેવનારાયણ રામચંદજી સાવલિયા હરસિદ્ધિ શોપિંગ સેન્ટરની 18 નંબરની દુકાનમાં મહાલક્ષ્મી કેળા સપ્લાયર નામની ઓફિસ ખોલી ખેડૂતો પાસેથી જથ્થાબંધ કેળા ખરીદી તેનો ધંધો કરે છે એમાં ફરિયાદી ઉમેશ પ્રવીણભાઈ પટેલ સાથે આરોપી દેવનારાયણ રામચંદજી સાવલિયાને સાથે ધંધાકીય સબંધ હોય ફરિયાદી પાસેથી આરોપી કેળાની ખરીદી કરી જેતે સમયે ચાલતા બજારભાવ મુજબ ફરિયાદી અને આરોપી વચ્ચે નક્કી થતાં આરોપીની સગવડે પૈસા ચૂકવતા હતા, ત્યારે વર્ષ 2018માં આરોપીને ભાવ નક્કી કરી ફરિયાદી પાસેથી ઉધાર 3.93ના કેળાની ખરીદી કરી હતી. જે અંગે વારંવાર ઉઘરાણી કરવા છતાં ન આપતા આરોપી દેવનારાયણ રામચંદજી સાવલિયાએ ફરિયાદી ઉમેશ પ્રવીણભાઈ પટેલને આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના 3.93 લાખના બે ચેકો આપી તમને નાણાં મળી જશે એવો વિશ્વાસ આપ્યો હતો, આ બંને ચેક ફરિયાદીએ બેંકમા જમાં કરાવતા પૂરતા બેલેન્સના અભાવે ચેક રિટર્ન થયા હતા આથી ફરિયાદીએ પોતાના એડવોકેટ એ.એચ.પંડ્યા મારફતે આરોપીને નોટિસ આપી રાજપીપળા કોર્ટમાં બાઉન્સ ચેકનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસ રાજપીપળા ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ જે.કે. ખાંટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દેવનારાયણ રામચંદજી સાવલિયાને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી, જ્યારે ચેકની રકમ રૂ. 3.93 લાખ 2 માસમાં ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો, જો રકમ ચૂકવવામાં કસુર ઠરે તો, વધુ 6 માસની સાદી સજાનો હુકમ કર્યો છે.