સાજીદ સૈયદ, નર્મદા
આદર્શ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે શિક્ષક-ગુરૂઓની ભૂમિકા મહત્વની રહેલી છે : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા
શિક્ષિત સમાજના નિર્માણ માટે કટિબધ્ધ શ્રેષ્ઠ શિક્ષકો, વય નિવૃત્ત શિક્ષકો અને વિવિધ પરીક્ષાઓમાં ઝળકેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા
રાજપીપલા, મંગળવાર
રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં 5મી સપ્ટેમ્બર, શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક તેમજ વય નિવૃત્તિથી નિવૃત્ત થયેલા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો.
સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને કાયમ માટે યાદગાર બનાવવા 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. જેની નર્મદા જિલ્લામાં ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, આદર્શ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે શિક્ષક-ગુરૂઓની ભૂમિકા મહત્વની રહેલી છે. માતા-પિતા બાળકોનું શારીરિક ઘડતર કરીને પાલન-પોષણ કરે છે જ્યારે એક શિક્ષક બાળકનો માનસિક વિકાસ કરીને સારા નાગરિક બનાવી સમાજ ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે.
બાળકના ઉજ્જવળ ભવિષ્યની કહાની વર્ગખંડમાં કંડારાય છે, ત્યારે આદિજાતિ જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શિક્ષકોએ પણ બેવડી જવાબદારી નિભાવી છે. જિલ્લામાં માતા-પિતા વિનાના નિરાધાર બાળકોની જવાબદારી શિક્ષકો ઉપાડી તેના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે તેવા શિક્ષકો શિક્ષણ જગત માટે ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે તેમ જણાવી શ્રીમતી વસાવાએ સૌ શિક્ષકોની કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.
બાળકોના ઉજ્જવળ ભાવિ માટે શિક્ષકોની ભૂમિકાને વંદન કરીને શિક્ષક દિનને ગુરૂ વંદના દિવસ તરીકે ગણવતા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટેનો આ આદર્શ દિવસ છે. દેશના બાળકોને સાચી દિશા આપીને સફળતાના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડવામાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ શિક્ષકોને પ્રોત્સાહિત કરીને ગુજરાતમાં શિક્ષણને પાયાથી જ મજબૂત કરવાની સરાહનીય કામગીરી કરી હતી જેને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકાર સુપેરે આગ ધપાવી રહી ત્યારે આપણે સૌએ પણ સહભાગી બની રાષ્ટ્રનિર્માણના કાર્યમાં યોગદાન આપવાનું છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલે પણ ઉપસ્થિત સૌ શિક્ષકોની કામગીરીને બિરદાવીને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી બાળકોના ઉજ્જવળ ભાવિ માટે કામગીરી કરવા પ્રોત્સાહિત કરી માર્ગદર્શિત કર્યા હતા.
શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે મહાનુભાવોના હસ્તે શિક્ષિત સમાજના નિર્માણ માટે કામગીરી કરનારા જિલ્લાના અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો, વય નિવૃત્તિથી નિવૃત્ત થયેલા આચાર્યો-શિક્ષકો, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા પ્રતિભાશાળી બાળકોને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ, શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રીઓ- હોદ્દેદારો, શિક્ષકો, વય નિવૃત્ત શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.