Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપલા : ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા આગળ જ ગટર વહેતી રહી

વડાપ્રધાનની અપીલની પણ કોઈ અસર નહીં..?

મહાત્મા ગાંધીજીની પ્રતિમાની પાછળ વડાપ્રધાનના હાથમાં ઝાડુ લઇ કચરો સાફ કરતા હોર્ડીંગની નીચે જ કચરાનો ઢગલો

સાજીદ સૈયદ, નર્મદા

2જી ઓક્ટોબર ગાંધી જયંતીની ઉજવણીને લઈને સરકારી તંત્ર દ્વારા લોકોના ટેક્સના કરોડો રૂપિયાની જાહેરાતો અખબારો, પોસ્ટરો અને ડિજિટલ માધ્યમ દ્વારા કરી હતી. વડાપ્રધાને પણ લોકોને અને સરકારી બાબુઓને 1 ઓક્ટોબરના રોજ સવારના એક કલાક ઝાડુ વાળી કચરો સાફ કરી સ્વચ્છતાના શપથ લઈ વેબસાઈટ ઉપર પોતાના ઝાડુ વાળતા ફોટા અપલોડ કરવાની અપીલ પણ કરી હતી.

પરંતુ જ્યારે 2જી ઓક્ટોબર આવી, ત્યારે રાજપીપળાના ગાંધી ચોકમાં આવેલી ગાંધી પ્રતિમા આગળ જાહેર રોડ ઉપર જ ગટરનું પાણી વહી રહ્યું હતું અને કચરાનો ઢગલો પડેલો હતો. સ્વાભાવિક છે કે, ગાંધી જયંતી હતી તો અલગ અલગ બધા જ પક્ષના નેતાઓ અને કહેવાતા સામાજિક અગ્રણીઓએ આવી અને ગાંધી પ્રતિમાને હાર પહેરાવતા ફોટા પડાવી અને જતા રહ્યા હશે. ત્યારે નર્મદા જિલ્લાના કલેકટર અને ડી.ડી.ઓ. સહિત અન્ય સરકારી અમલદારોની કચેરી પણ નજીકમાં જ છે અને તેઓ અહીંયાથી રોજ પસાર થતા હોય છે પણ કોઈને કેમ ન દેખાયું..? એ વાતનું લોકોને પણ આશ્ચર્ય છે..!

હવે એમ કહી શકાય કે, જોયા પછી પણ આંખ આડા કાન કરી લીધા હોય એમ બની શકે? સ્વચ્છ ભારતનું બજેટ 7000 કરોડ કરતાં પણ વધારે છે, જ્યારે શ્રમદાન જનભાગીદારી જેવા પુસ્તકીય શબ્દો પોસ્ટર ઉપર લખી દેવા માત્રથી કામ પૂરું થઈ જતું નથી. સાથે સાથે વધુમાં ગાંધી પ્રતિમાની પાછળ જ વડાપ્રધાનનું હાથમાં ઝાડુ લઇ કચરો સાફ કરતો એક હોર્ડિંગ પણ લાગેલું હતું અને બરાબર એની નીચે જ કચરાનો ઢગલો હતો ત્યારે વડાપ્રધાનની અપીલ અને ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યે દિગમને નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર સહેજ પણ ગણકારતું નથી એવું આ ઘટના ઉપરથી પ્રસ્થાપિત થાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *