Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ અંર્તગત કાર્યવાહી થશે  

જિલ્લા કલેક્ટરએ પ્રોજેક્ટ આશીર્વાદ લોન્ચ કર્યો 

જૂનાગઢમાં ઘરના વડિલોને પરેશાન કરતા સંતાનોની હવે ખેર નથી : વહીવટી તંત્ર કરશે કાર્યવાહી  

જૂનાગઢ,

જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વધુ એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા પ્રોજેક્ટ આશીર્વાદનું જિલ્લા કલેક્ટર એ આજે લોન્ચીંગ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘરના વડિલો માતા-પિતા, દાદા-દાદી કે વરિષ્ઠ નાગરિકોને પરેશાન કરતા સંતાનો સામે કાર્યવાહી કરવામાં આવશે. કલકેટર કચેરી જૂનાગઢ ખાતે આ પ્રોજેકટનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ.  

માતા-પિતા વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ માટે અધિનિયમ-૨૦૦૭ અમલમાં છે. આ કાયદા અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લઇ પોતાના સંતાનોથી પરેશાન થતા માતા-પિતા દાદા-દાદીને જિલ્લા વહિવટીતંત્ર પ્રોજેક્ટ આશીર્વાદ અંતર્ગત મદદરૂપ થશે. આ અધીનિયમ અંતર્ગત સંતાનોને જેલ, દંડ, મીલકત રદ બાતલ કરવા સહિતની જોગવાઇ છે. સમાજમાં વડિલો ગૌરવભેર જીવન જીવે તેમનો આદર સત્કાર થાય તેમજ સંતાનો દ્વારા કોઇ મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી હોવાનું કલેક્ટરએ જણાવ્યું હતું. ઘણી વખત માતા-પિતાને મુશ્કેલી હોય છતા સંતાનો વિરૂધ્ધ કાર્યવાહી કરતા નથી કે તેમને આ કાયદાની જાણકારી પણ હોતી નથી. આથી જિલ્લાતંત્ર દ્વારા આવા કેસમાં ઝડપભેર કાર્યવાહી કરી પીડિત વડિલોને ન્યાય અપાશે.  

આ અધિનિયમ અંતર્ગત સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટને ખાસ સત્તાઓ આપવામાં આવી છે. જેમાં એસડીએમ કોર્ટ હેઠળ અપીલની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં સેક્શન-૭ અંતર્ગત એસડીએમ કોર્ટ મેઇન્ટેનન્સ ટ્રીબ્યુનલ તરીકે કામ કરશે. સેક્શન-૫ અંતર્ગત આ ટ્રીબ્યુનલ સુઓમોટોની કામગીરી કરશે. આ એક્ટ હેઠળ વૃદ્વોને મેઇન્ટેન્ટસ વળતર, સેક્શન-૨૩ અંતર્ગત મિલકતનું રદબાતલ કરવું તેમજ વૃદ્વોને તરછોડવા બદલ ૩ મહિનાની જેલ કે ૫૦૦૦ દંડની જોગવાઇ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ અંતર્ગત વૃદ્વોના કલ્યાણ તેમજ સારસંભાળનો હેતુ મુખ્ય છે. તેમજ આ મેઇન્ટેન્સ એક્ટની જાગૃતતા માટે છે. વહિવટીતંત્ર દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ એક એવા સમાજનું નિર્માણ કરવાનો છે. જ્યા માતા-પિતા વૃદ્વો તેમની પાછળની જિંદગી પુરા સન્માન સાથે જીવી શકે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ પૂર્વે જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સંતાનમાં માત્ર એક કે બે દિકરી ધરાવનાર માતા પિતા માટે પીંક કાર્ડ, સીનીયર સીટીઝનનો સરકારી કામમાં અગ્રતા માટે ગ્રે કાર્ડ યોજના લોન્ચ કરી હતી. ત્યાર બાદ વંથલી તાલુકાના આસીસ્ટન્ટ કલેકટર હનુલ ચૈાધરી દ્રારા વૃદ્ધો માટે પ્રોજેકટ આશીર્વાદ માટે જહેમત ઉઠાવી છે. જૂનાગઢ જિલ્લામાં વંથલી સબ ડિવીઝનમાં ૧૩, જૂનાગઢ સબ ડિવીઝનમાં ૧૯, કેશોદ ૧૧, વિસાવદર સબ ડિવીઝનમાં ૨ અને મેંદરડા સબ ડિવીઝનમાં ૩ કેસ અંતર્ગત હાલ કાર્યવાહી કાર્યરત છે.  

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી બનશે. માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ ૨૦૦૭ અંતર્ગત સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ (પ્રાંત અધિકારી)ને ટ્રીબ્યુનલના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે અને ખાસ સત્તાઓ આપવામાં આવી છે. પરંતુ કોઇ અરજદારને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટની કાર્યવાહીથી સંતોષ ના થાય તો જિલ્લા કલેક્ટરને અધ્યક્ષસ્થાને ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નારાજ થયેલ અરજદાર જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ પણ કરી શકે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *