રાજકોટ,તા.૧
સૌરાષ્ટ્રમાં જ નહીં પણ રાજ્યના ઘણા એસ. ટી. બસ સ્ટેન્ડમાં એવું ચિત્ર જાેવા મળ્યું હશે કે, જ્યારે પણ બસ પાર્ક થવા નજીક આવે અને ઊભી રહે એટલે લોકો પોતાના રૂમાલ, સામાન કે ટોપીનો જે તે સીટની બારીમાંથી ઘા કરી દે. જેથી જગ્યા રોકાય અને સીટ માટે પરેશાન ન થવું પડે. આ ઉપરાંત લાઈનમાં નંબર આવે એવું હોય તો લોકો પોતાના સ્વજનોની વસ્તુ પણ પોતાના વારામાં લઈ લે છે. પણ સૌરાષ્ટ્રના એક ગામમાં એક અનોખું ચિત્ર જાેવા મળ્યું. સામાન્ય રીતે ચંપલનો શંભુમેળો કોઈ મંદિરમાં જાેવા મળતો હોય છે. પણ આટલી વ્યવસ્થિત રીતે રાખેલા ચંપલ કોઈ મંદિરમાં જવા માટેની લાઈન નથી. રાજકોટ જિલ્લાના જસદણ ગામે એક જ સિટી સ્કેન સેન્ટર છે. કોરોનાને કારણે તથા અન્ય કારણોસર લોકોએ સિટિ સ્કેન કરાવવા માટે લાઈન લગાવી છે. લાઈનમાં નંબર આવે એ વ્યવસ્થા હોવાથી લોકોએ લાઈનમાં ઊભું ન રહેવું પડે એ માટે પોતાના ચંપલને લાઈનસર ગોઠવી દીધા હતા. જસદણમાં એક જ ખાનગી સિટી સ્કેન સેન્ટર છે, જેના કારણે ભીડ વધી ગઈ છે.
લોકો રાતથી પોતાનો ક્રમ આવે એટલે ચંપલ મૂકી જાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રે જ પોતાના બુટ કે ચંપલ અહીં મૂકી જાય છે. જેથી નંબર પાછળ ન જાય. દરરોજ આવું ચિત્ર જાેવા મળે છે. હજારોની સંખ્યામાં દર્દીઓ અહીં સિટી સ્કેન માટે આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. સંક્રમણની ચેઈન તોડવા માટે અનેક તાલુકા તેમજ જિલ્લાએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જસદણ પાસે આવેલા વિછિંયામાં પણ ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તા.૨૯થી ૨ મે સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય કોઈ દુકાન ખુલ્લી નહીં રહે.