સુરત,
સુરતના મહિલા હોમગાર્ડને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવું ભારે પડ્યું છે. ફરજ દરમિયાન ફિલ્મી ડાયલોગ પર વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડને જિલ્લા હોમગાર્ડના અધિકારીએ આખરી હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે પગલાં લેવાયા છે. આ સાથે જ અધિકારીએ ચીમકી ઉચ્ચારી છે કે ચાલુ ફરજ દરમિયાન કોઈ કર્મચારી આવું કૃત્ય કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીની આવી ચીમકી બાદ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સુરતના સોશિયલ મીડિયા પર બે દિવસ અગાઉ મહિલા હોમગાર્ડનો એક વીડિયો વાયરલ થયો હતો. સુરત હોમગાર્ડ શાખામાં ફરજ બજાવતી દીપમાલા પાટીલ નામની મહિલા હોમગાર્ડે ચાલુ ફરજ દરમિયાન વીડિયો બનાવ્યો હતો. હિન્દી ફિલ્મોના ડાયલોગ અને વર્તમાનમાં ચાલી રહેલી કોરોનાની મહામારીની મિમિક્રી કરતો વીડિયો મહિલા હોમગાર્ડે બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.