સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં ચાર ઈસમો દ્વારા ધારદાર હથિયારો સાથે લાખોની લૂંટ ચલાવવામાં આવી હતી. જે અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક હરકતમાં આવી ગણતરીના સમયમાં આરોપીઓને પકડી પાડ્યા હતા. ધરપકડ કરી તેમની પાસેથી લાખોના હીરા રોકડા રૂપિયા અને હથિયારો કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે લૂંટફાટ જેવા બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં ભ્રમાણી ડાયમંડ ફેકટરીમાં 20 સપ્ટેમ્બરની સાંજે ચાર ઈસમો સાઉથની ફિલ્મોમાં જેવા હત્યાર વાપરવામાં આવે છે તેવા દેખાતા હથિયારો સાથે ઘુસી ગયા હતા જ્યાં ત્રણ કારખાનેદાર અને કેટલાક રત્નકલાકારો સામે માલિકના ગળે મોટો કોયતા જેવું હથિયાર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તમામને ચુપચાપ રહેવા જણાવી તિજોરીમાં મુકવામાં આવેલ 7 લાખ રૂપિયાના હીરા અને 70 હજારથી વધુ રોકડા રૂપિયાની લુટ કરી ભાગી છૂટ્યા હતા. જે ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી
લૂંટની ઘટના બનતા જ તાત્કાલિક ધોરણે કાપોદ્રા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ચેક કરતા ચાર જેટલા ઈસમો મોઢે રૂમાલ બાંધીને ધારદાર હથિયાર હાથમાં લઈને હીરાના કારખાનામાં આવતા નજરે ચડે છે જે તમામ બાબતની ખરાઈ કરી કાપોદ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જો કે, આ કેસની ગંભીરતા જોઈને કાપોદ્રા પોલીસની ટિમ કામે લાગી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી હતી જેમાં કાપોદ્રા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ પરાગ ડાવરા અને તેમની ટિમ રમેશભાઈ, રવીરાજ સિંહ, પૃથ્વીરાજ સિંહ અને શૈલેષભાઈ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ અને બાતમીના આધારે આરોપીનું પગેરું શોધવામાં સફળતા મળી હતી. જેમાં ત્રણ આરોપી વિપુલ ઉર્ફે બાજ નકુમ, દિપક લાડુમોર અને અશ્વિન ઠાકોરને પકડી પાડ્યા હતા અને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી.
જો કે, અન્ય એક આરોપી ભાગવામાં સફળ થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી પાસેથી 100 કેરેટ હીરા, 70 હજાર રોકડા રૂપિયા, બે રેમ્બો છરા અને સાઉથની ફિલ્મોની જેમ વપરાતો કોયતા પણ કબ્જે કરવામાં આવ્યા હતા. જ્યાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપી રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું જ્યાં અગાવ પણ લૂંટ જેવા ગુનામાં ઝડપાઇ ચુક્યા છે જેઓને જેલના સળિયા પાછળ ધકેલી કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.