પૂર્વ પત્ની, દિકરી અને જમાઈનો હૂમલા
અમદાવાદ, તા.૩૧
અમદાવાદમાં પારિવારિક ઝગડાઓના કિસ્સાઓ તેમજ સાસરિયાઓ દ્વારા પરીણિતા પર થતાં અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યાં છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં પ્રહલાદનગર ગાર્ડન પાસે છુટાછેડા લીધેલી પત્નીએ દશામાના વ્રતના પાંચ હજાર લેવા માટે પૂર્વ પતિને બોલાવ્યો હતો. ગાર્ડન પાસે આવતાં જ પતિએ કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી. ત્યારે પૂર્વ પત્નીએ ઉશ્કેરાઈને પતિના રોડ ઉપર જ કપડાં ફાડી નાંખ્યાં હતાં. તે ઉપરાંત દિકરી અને જમાઈએ પણ પાઈપ વડે હાથ અને પગ પર ફટકા મારવા માંડયા હતાં. પતિએ આ મુદ્દે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પૂર્વ પત્ની અને દિકરી તથા જમાઈ સાથે રહે છે. તેમજ પાણીપુરીની લારી લગાવીને વેપાર કરે છે. ગત ૨૧ તારીખે તેની પર પૂર્વ પત્નીનો ફોન આવ્યો હતો. પત્નીએ તેને પ્રહલાગનગર પાસેના ઔડા ગાર્ડન પાસે બોલાવ્યો હતો. આ દરમિયાન ત્યાં પત્ની સહિત દિકરી અને જમાઈ પણ હાજર હતાં. તેમણે મારી પાસે દશામાના વ્રત દરમિયાન પાંચ હજાર રૂપિયા નહીં આપેલ હોવાથી ફરીવાર માંગ્યા હતાં. મેં તેમને મારી પાસે પૈસા નહીં હોવાનું જણાવતાં જ પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી અને બિભત્સ ગાળો બોલીને હાથાપાઈ કરવા માંડી હતી. તેણે જાહેરમાં રોડ પર જ મારા કપડાં ફાડી નાંખ્યાં હતાં.આ દરમિયાન જમાઈ અને તેમની સાથે આવેલા એક અન્ય શખ્સે રિક્ષામાંથી પાઈપ કાઢીને મારા હાથ અને પગ પર માર માર્યો હતો. દિકરીએ પણ ગાળો બોલીને મારા કપડાં ખેંચી નાંખ્યાં હતાં. આ દરમિયાન મારી સાથે આવેલા મિત્રોએ વચ્ચે પડીને મને બચાવ્યો હતો અને ૧૦૮માં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં. ફરિયાદીની ફરિયાદના આધારે આનંદનગર પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.