સાજીદ સૈયદ, નર્મદા
શ્રમદાનના કાર્યક્ર્મમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વહિવટીતંત્ર અને નગરપાલિકાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ જોડાઈને સફાઈ અભિયાન હાથ ધર્યું
રાજપીપલા, રવિવાર :-
સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં ‘સ્વચ્છતા હી સેવા’ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૩ને રવિવારના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લા સંગઠનના અન્ય હોદ્દેદારો અને પદાધિકારીશ્રીઓએ સૌ પ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં ગાંધી ચોકથી જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તરફના મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓએ દેશમાં સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે આજે પહેલી ઓક્ટોબરના દિવસે પણ દરેક સમાજના નાગરિકો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈને એક કલાકના સમયનું શ્રમદાન સમગ્ર દેશના નાગરિકો એક જ સમયે કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત થઈને આ સ્વચ્છતાના કાર્યક્રમને સફળ બનાવ્યો છે તેમ ઉમેર્યું હતું. સાથે જિલ્લાના સૌ નાગરિકોને પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા કામના સ્થળે કાયમ માટે સ્વચ્છતા જાળવવા પણ ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી.
નર્મદા જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, જિલ્લાની મેડિકલ કોલેજ, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું હતું. જિલ્લાના દરેક તાલુકા અને ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાનની ગતિવિધિ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું છે. શ્રમદાન થકી એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડિયા સહિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી.