સાજીદ સૈયદ,નર્મદા

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ તારીખ 9 સપ્ટેમ્બર 2023ના રોજ ગરુડેશ્વર તાલુકાના નવાપરા ગામની મુલાકાત લીધી જ્યાં તારીખ 05 સપ્ટેમ્બર 2023 નાં રોજ આગ લાગવાની ઘટના બની હતી.

૫ સપ્ટેમ્બર મંગળવારના રોજ ગરુડેશ્વર તાલુકાના નવાપરા ગામમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં નવાપરા ગામના સ્થાનિક 13 પરિવારોની ઘરવખરી સાથે આખા ઘર બળીને ખાખ થઈ ગયા હતા અને ભર વરસાદમાં છેલ્લા ચાર પાંચ દિવસથી આ પરિવારોના 60થી 70 લોકો ખુલ્લામાં રહે છે. તેમના માથે છત પણ નથી. આવી પરિસ્થિતિમાં તેમના માટે અને નાના બાળકો અને મહિલાઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ આજદિન સુધી સરકાર કે તંત્ર તરફથી થઈ નથી.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ અપીલ કરી છે કે, બે દિવસમાં જેસીબી લાવી બળેલી ઘરવખરી સાઈડ કરી ત્યાં આ કુટુંબ સભ્યોને કામ ચલાઉ વોટરપ્રુફ ટેન્ટ બનાવી આપી રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપે. આ ગરીબ આદિવાસી લોકોનું કહેવું છે કે, જો સોમવાર સુધીમાં અમારા લોકોની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મંગળવારથી કલેકટર કચેરી ખાતે જ રહેવાની ફરજ પડે તેમ છે જેથી આ સુવિધા માટે આવેદન સ્વરૂપે લેખિત વિનંતી આપવાનું આહવાન કરીશું.