જનતાનાં સ્વાસ્થ્ય સામે જોખમ
ગટર લાઇન તાત્કાલિક રીપેરીંગ કરવા વેપારીઓ, રાહદારીઓ અને નગરજનોની માંગ
સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લાના, ડેડીયાપાડામાં ગટર લાઈનમાં ભંગાણ થતાં જાહેર રસ્તા પર ગંદુ પાણી ઉભરાવા લાગ્યું છે જેના કારણે રાહદારીઓ, વહેપારીઓ તેમજ રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી ડેડિયાપાડા ખાતે બજાર વિસ્તારમાં ગટર લાઈનમાં ભંગાણ સર્જાતા ગટરના ઢાંકણામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતું પાણી જાહેર રસ્તા ઉપર ભરાઇ રહ્યું છે. ગટરના ગંદા પાણીમાં લીલ જામી જતાં મચ્છર જન્ય રોગચાળો નીકળવાની ભીતિ સેવાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે સ્થળ પર ગટરનું ઢાંકણું લિકેજ થયું છે તે ગટર લાઇન તાલુકા પંચાયત કચેરીથી, ૧૦ મીટર દૂર છે અને વિભાગીય નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગથી ૧૫ મીટર દૂર છે. તેમજ નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરીથી ૩૦-૩૫ મીટર દૂર છે અને આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે, ઉપરોકત તમામ સરકારી ઓફિસના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ આ જ રોડ પરથી પોતાની ઓફીસમાં જઈ રહ્યા છે. છતાં વહેતું ગંદુ પાણી નજરે પડતું છે કે નહીં ? તેની ખબર નથી. ત્યારે વહેપારીઓ અને રાહદારી તથા સ્થાનિક લોકોની માંગ છે કે, ગટર લાઇન તાત્કાલિક રિપેર કરી ગંદુ પાણી ફેલાતું અટકાવવામાં આવે નહિતર આ વિસ્તારમાં મોટો રોગચાળો ફેલાવવાની પૂરી શક્યતાઓ છે.