મુંબઈ,
મોટાભાગની હસ્તીઓ પોતાની સાથે બોડીગાર્ડ રાખે છે. ફિલ્મી દુનિયાના સિતારાઓ માટે પણ બોડીગાર્ડને સાથે રાખવા જરૂરી છે. એટલું જ નહીં તેમની પોપ્યુલારિટીને જાેતાં તેઓ જ્યાં ટ્રાવેલ કરે ત્યાં બોડીગાર્ડને સાથે લઈ જવા જરૂરી છે. આ જ કારણે સેલેબ્સ અને બોડીગાર્ડ વચ્ચે નિકટનો સંબંધ બંધાય છે. લોકોને સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનના તેમના બોડીગાર્ડ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની જાણ હશે જ પરંતુ દીપિકા પાદુકોણનો બોડીગાર્ડ જલાલ પણ એક્ટ્રેસની નજીક છે.
દીપિકા પાદુકોણ ભારતીય સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક છે. ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ દ્વારા દીપિકાએ ડેબ્યૂ કર્યું ત્યારથી અત્યાર સુધી તેના ફેન્સમાં સતત વધારો થતો આવ્યો છે. જ્યારે પણ દીપિકા ઘરની બહાર પગ મૂકે ત્યારે જલાલની ફરજ છે કે લોકોના ટોળા અને કોઈ અનિચ્છનીય ઘટનાથી તેનું રક્ષણ કરે.
દીપિકા પાદુકોણ જલાલને માત્ર પોતાનો બોડીગાર્ડ કે સ્ટાફનો સભ્ય નહીં પરંતુ ભાઈ માને છે. દીપિકા દર વર્ષે જલાલને રાખડી પણ બાંધે છે. જલાલના ખભા પર દીપિકાની સુરક્ષા કરવાની મહત્વની જવાબદારી છે ત્યારે આ કામ માટે મળતું મહેનતાણું પણ તગડું હોવાનું જાણવા મળ્યું છે. જલાલની વાર્ષિક સેલરી ૮૦ લાખ રૂપિયા હતી અને આ વર્ષે વધારીને ૧ કરોડ રૂપિયા કરવામાં આવી છે. દીપિકા અને રણવીરના લગ્નસ્થળે પણ સુરક્ષાની તમામ જવાબદારી જલાલને જ સોંપાઈ હતી.
જાેકે, માત્ર દીપિકા જ નહીં બોલિવુડના અન્ય સેલેબ્સ પણ પોતાના બોડીગાર્ડને તગડી સેલેરી આપે છે. સલમાનના બોડી ગાર્ડ શેરાને દર વર્ષે ૨ કરોડ રૂપિયા સેલરી મળે છે. જ્યારે અનુષ્કા શર્માના બોડીગાર્ડ પ્રકાશની વાર્ષિક સેલરી ૧.૨ કરોડ જેટલી છે. બોલિવુડના બાદશાહ શાહરૂખના બોડીગાર્ડ રવિ સિંહની વાર્ષિક સેલરી ૨.૭ કરોડ રૂપિયાની આસપાસ છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, હાલ દીપિકા પાદુકોણ પાસે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે. દીપિકા પહેલીવાર હૃતિક રોશન સાથે કામ કરવા જઈ રહી છે. દીપિકા અને હૃતિક એક્શન ફિલ્મ ‘ફાઈટર’માં જાેડી જમાવશે. આ ફિલ્મ ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય દીપિકા પ્રભાસ સાથે પણ પહેલીવાર ફિલ્મ કરવા જઈ રહી છે. પ્રભાસ-દીપિકાની આ અનામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં છે. ઉપરાંત દીપિકા અને અમિતાભ બચ્ચન હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં જાેવા મળશે. આ સિવાય દીપિકા અને પતિ રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’ રિલીઝ માટે તૈયાર છે.