પેકેટ આપી ટ્રસ્ટીએ તે શિક્ષિકા માટે ખુબ કામનું હોવાનું કહી આ પેકેટની ચીજનો અભિપ્રાય કેબિનમાં આવી આપવા વિનંતી કરી હતી.
ભરૂચ,
ભરૂચ શહેરની જાણીતી શાળાના ૮૦ વર્ષ આસપાસની ઉંમરના આધેડ ટ્રસ્ટીનું યુવાન શિક્ષિકા ઉપર દિલ આવી જતા ચાલુ ક્લાસમાં અન્ડર ગારમેન્ટ્સની ભેટ આપી શિક્ષિકાને શર્મિંદા કરી નાખી હતી. આ મામલો ભરૂચ પોલીસ સુધી પહોંચતા ઢળતી ઉંમરે હવસના પૂજારી બનેલા ઠર્કી વૃદ્ધ ટ્રસ્ટી સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક જાણીતી શાળામાં યુવાન શિક્ષિકા વર્ગમાં અભ્યાસ કરાવી રહી હતી તે દરમિયાન અચાનક કલાસમાં ટ્રસ્ટી વિઝીટ માટે આવ્યા હતા. ૮૦ વર્ષ ઉમરની આસપાસના ટ્રસ્ટી પોતાના બુટના શોખના કારણે જાણીતા છે. ટ્રસ્ટીએ ક્લાસમાં બાળકોની વચ્ચે શિક્ષિકા હીનાબેન (નામ બદલવામાં આવ્યું છે)ને હાથમાં પેકેટ આપ્યું હતું. આ પેકેટ આપી ટ્રસ્ટીએ તે શિક્ષિકા માટે ખુબ કામનું હોવાનું કહી આ પેકેટની ચીજનો અભિપ્રાય કેબિનમાં આવી આપવા વિનંતી કરી હતી. શૈક્ષણિક કાર્યને લગતી ચીજવસ્તુઓ હોવાના અનુમાન સાથે શિક્ષિકાએ ક્લાસમાં જ વિદ્યાર્થીઓની હાજરીમાં પેકેટ ખોલ્યું અને તેમાંથી જે નીકળ્યું તે જાેઈ શિક્ષિકા શરમ સાથે આઘાતમાં મુકાઈ હતી. આ પેકેટમાં અન્ડર ગાર્મેન્ટ્સ નીકળ્યા હતા.
૮૦ વર્ષના ટ્રસ્ટી પૌત્રીની ઉંમરના શિક્ષિકા સાથે આ હદની હીન હરકત કરશે તેનો મહિલાને સ્વપ્નેય ખ્યાલ ન હતો. શાળાના અન્ય શિક્ષકો વચ્ચે મામલો ઉછળ્યો અને વિવાદના અંતે વાત પોલીસ સુધી પહોંચી હતી. ભરૂચ પોલીસે બંને પક્ષના નિવેદનો બાદ ૮૦ વર્ષના ટ્રસ્ટીની IPCની કલમ ૩૫૪ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઢળતી ઉંમરે જેલના સળિયા ગણવાનો વારો આવતા ટ્રસ્ટીની હરકતના કારણે શાળાએ ભારે બદનામીનો સામનો કરવો પડ્યો છે.