વાપીના શૂલપડમાં મસાલાનો ધુમાડો કરી ટોટકુ કર્યું ને.. બાળકીનું કરુણ મોત
વાપી,તા.૨૫
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા શૂલપડ વિસ્તારમાં એક પરિવારના ઘરમાં ગૂંગળાઈ જવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં પરિવારમાં બીમારી દૂર કરવા અંધશ્રદ્ધાનો સહારો લઇ મરચાં સહિત અન્ય મસાલાનો ધુમાડો કરી ટોટકુ કર્યું હતું. આ અંધશ્રદ્ધામાં પરિવારની એક બાળકીનો ભોગ લેવાયો છે. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા મૂળ બિહારના પતિ પત્ની અને નવ વર્ષની દીકરી સહિતનો પરિવાર એક નાની રૂમમાં રહેતા હતા. આ પરિવારના પતિ પત્ની છેલ્લા કેટલાક દિવસથી બીમાર રહેતા હતા. આખો પરિવાર એક નાના ઘરમાં રહેતો હતો. જેમાં હવા ઉજાસની અન્ય કોઈ સુવિધા ન હતી. આ નાના ઘરમાં મરચાં અને અન્ય મસાલાનો ધુમાડો કર્યો હતો અને ત્યારબાદ ઘરનું બારણું બંધ કરી દીધું હતું. આમ ઘરમાં અન્ય કોઈ હવા ઉજાસની સુવિધા નહી હોવાથી આખો પરિવાર બેહોશ થઈ ગયો હતો. જાે કે, વાપીમાં જ રહેતા તેમના એક સ્વજને પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. આથી તે સ્વજને તેમના પરિવારના પડોશીને જાણ કરી હતી. આથી પડોશીએ ઘરમાં જાેતા આખો પરિવાર બેહોશ દેખાયો હતો. આથી તાત્કાલિક તેમને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિવારની ૯ વર્ષીય બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના ચાર સભ્યોને ગંભીર હાલતમાં વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.