જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો જૂની પેન્સન યોજના ફરી શરૂ કરશે : અરવિંદ કેજરીવાલની વડોદરામાં જાહેરાત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે વાયદાઓ આપી રહ્યા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ એક તરફ પોતાની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના વડોદરા ખાતે વધુ એક જાહેરાત કરતા કહ્યું હતું કે, “જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેન્સન યોજના ફરી શરુ કરવામાં આવશે.”
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્સન યોજના શરૂ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ આજે જ કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્સન યોજના શરૂ કરવામાં આવશે. હવે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જૂની પેન્સન યોજના શરુ કરવાનો વાયદો આપ્યો છે. સત્તાધારી પક્ષ જૂની પેન્સન યોજના શરુ કરવા માટે ટસનું મસ નથી થતી ત્યારે ગુજરાતની ચૂંટણીમાં જૂની પેન્સન યોજના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આજે ગુજરાતના વડોદરાના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોકો આપવા અપીલ કરી હતી. ગુજરાતના લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે ત્યારે અમે મોંઘવારીને દૂર કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં શાસક પક્ષને હટાવવા માટે સરકારી કર્મચારીઓ કાર્ય પર લાગી જાય.