Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

કોંગ્રેસથી ખફા હાર્દિક પટેલને ‘આપ’માં જોડાવાનું આમંત્રણ

ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

ગોપાલ ઇટાલિયાએ કહ્યું, “અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ”

અમદાવાદ,

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના જ પક્ષ સામે હવે બાંયો ચઢાવી છે. અને એટલે જ કોંગ્રેસ હાઈકમાન્ડ અને હાર્દિક પટેલ સામસામે આવી ગયા છે. હાર્દિક પટેલ દ્વારા તેમની ફરિયાદને ગંભીરતાથી ન લેવાતા પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. સાથે સાથે તે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. આ ચર્ચા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોંગ્રેસથી નારાજ થયેલા હાર્દિક પટેલનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટી તૈયાર છે.

ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી એ સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને તેમનો અવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પટેલ પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાઓએ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જવું જોઈએ. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે. ગોપાલ ઇટાલિયાએ નરેશ પટેલ અંગે જવાબ આપતા કહ્યું કે ગુજરાતની જનતા માટે જે પણ લડવા માગે છે એમનું સ્વાગત કરીએ છીએ. ભાજપના અહંકારને ઉતારવા માટે સૌ કોઈ આમ આદમી પાર્ટી સાથે જોડાય. તો ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા AIMIMના અધ્યક્ષ પણ અમદાવાદ આવ્યા એ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વખતે લડાઈ માત્ર બે પક્ષ વચ્ચે છે. ભાજપનો અહંકાર અને ગુજરાતની જનતા વચ્ચે ચૂંટણીમાં લડાઈ થશે, ગુજરાતની જનતા જીતશે. અમને હાર્દિક પટેલ સહિત સૌ કોઈ માટે લાગણી છે અને સૌ અમારી સાથે જોડાય એવી અપીલ છે. રાજ્યમાં બે પક્ષની મોનોપોલી ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટતાની મોનોપોલી તોડવાની છે. આ ભ્રષ્ટાચારની મોનોપોલી તૂટશે તો જનતાને લાભ મળશે.

જો હાર્દિક પટેલ પક્ષપલટો કરે તો સમર્થકો કે મતદારોનો વિશ્વાસ તૂટી શકે છે, ભૂતકાળમાં જે કોંગ્રેસથી ભાજપમાં જોડાયા એમના પર પોતે હાર્દિક પટેલે જુદા જુદા આક્ષેપો કરતા રહ્યા છે તો શું હવે એવા આક્ષેપો હાર્દિક ઉપર પણ લાગશે ? તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અત્યારે હાર્દિક પાર્ટીના સંગઠનમાં છે, જનતાએ એમને ચૂંટ્યા નથી, આ બે વાતમાં ફરક છે. હાર્દિક પટેલ જનતાના મતથી ધારાસભ્ય કે સાંસદ નથી બન્યા. હાર્દિક પક્ષના પદ પર છે એટલે એ અમારી સાથે જોડાય તો દ્રોહ ના કહી શકાય. એ જનતાના મતથી જીત્યો હોય અને પક્ષ બદલે તો અલગ વાત હોઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ટ્વિટર પર કોંગ્રેસ હાઈકમાન્ડ સામે બાંયો ચઢાવી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યો છે. હાર્દિકે કહ્યું, હું પદનો મોહતાજ નથી, કામનો ભૂખ્યો છું. સાથે જ હાર્દિક પટેલે મોટી વાત કરી કે, મને એટલો હેરાન કરવામાં આવી રહ્યું છે કે મને તેના વિશે ખૂબ ખરાબ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના અમુક નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટીને છોડી દઉં. મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, પરંતુ તેમના દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આમ, નરેશ પટેલના મુદ્દે નિવેદન આપવુ હાર્દિક પટેલને ભારે પડ્યુ છે, તેણે પાર્ટી હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વહોરી લીધી છે. હાર્દિક પટેલ દ્વારા પાર્ટીથી નારાજ હોવાનું તથા તેમની ફરિયાદ રાહુલ ગાંધી સુધી પહોચાડી હોવાનું પણ જણાવ્યું છે. જો કે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતા હાર્દિક પટેલે પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા છે. આ સાથે જ ગોપાલ ઇટાલિયા દ્વારા આપ માં જોડાવાનું આમંત્રણ મળતા શું હવે, હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે કેમ, તે હવે જોવું રહ્યું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *