આઝાદીનો અમૃત મહોત્સવ
** ** **
અમદાવાદ:
ભારત દેશને આઝાદ કરાવવા અનેક લોકોએ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપ્યું. કેટલાકને નામ અને પ્રસિધ્ધિ મળ્યા તો કેટલાક ગુમનામીના અંધારામાં જતા રહ્યા. જોકે એમણે કરેલી સ્વાતંત્રલક્ષી કામગીરીની નોંધ ઇતિહાસમાં તો લેવાઇ જ છે. આવા જ એક સ્વાતંત્ર્યવીર, કેળવણીકાર અને પત્રકાર મોહમ્મદ અલી જૌહરનો આજે ૧૪૩મો જન્મદિવસ છે. ૧૯મી સદીમાં જન્મેલા આ સ્વાતંત્ર્યવીરે દેશ માટે અને મુસ્લિમ બાળકો, યુવાનોના શિક્ષણ માટે ક્રાંતિકારી પગલાં ભર્યા.
મોહમ્મદ અલી જૌહરનો જન્મ ૧૦ ડિસેમ્બર ૧૮૭૮ના રોજ ઉત્તર પ્રદેશના રામપુરમાં થયો હતો. શાળાકીય શિક્ષણ બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા, ત્યાં કાયદા અને ઇતિહાસનું શિક્ષણ લીધું. બ્રિટનથી પરત આવીને તેમણે રામપુર અને વડોદરાના તત્કાલીન રાજ્યોમાં થોડો સમય સેવાઓ આપી બાદમાં તેઓ કલકત્તા સ્થાયી થયા. ત્યાં તેમનામાં રહેલા પત્રકારે તેમને “કોમરેડ “ નામનું સાપ્તાહિક શરૂ કરવા પ્રેર્યા. તેઓ અંગ્રેજીના જાણકાર તો હતા જ પરંતુ ઉર્દુ ભાષા પર પણ તેમની અદભુત પકડ હતી. તેમણે ઉર્દૂમાં પણ “ હમદર્દ” નામનું દૈનિક શરૂ કર્યું. અખબારમાં તેમણે અંગ્રેજોની અન્યાયી અને દમનકારી નીતિઓ વિરુદ્ધ કલમ ચલાવી. આ ઉપરાંત સ્વતંત્રતા ચળવળમાં હિસ્સો લેવા બદલ તેમને કેદની સજા પણ થઇ. ૧૯૧૯માં તેમણે ખિલાફત ચળવળની શરૂઆત કરી. તેઓ ગાંધીજીના અસહકાર આંદોલનમાં પણ સક્રિય થયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું. તેઓને અસહકાર આંદોલન માટે જેલમાં પણ જવું પડ્યું. ૧૯૨૩માં જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે ખૂબ કામ કર્યું.
ભારતમાં અંગ્રેજો સામે રહેલા જુવાળને પારખીને તેઓ ૧૯૩૦માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ ગયા. તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેમણે આગઝરતું ભાષણ કર્યું. આ ભાષણ આઝાદીની ચળવળના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયું છે. તેમણે કહેલું કે “ હું એવા વિદેશમાં મરવાનું પસંદ કરીશ જે સ્વતંત્ર દેશ હોય. જો તમે અમને ભારતમાં સ્વતંત્રતા ના આપવાના હો તો તમારે મારી કબર અહીં જ બનાવવી પડશે”.
તેઓએ મુસ્લિમ બાળકોના શિક્ષણ માટે પણ પ્રયાસો કર્યા. તેઓ દિલ્હી સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપકો પૈકીના એક હતા. આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પણ તેઓ બન્યા. ૪ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. મિત્રો અને પરિજનોની ઇચ્છા અનુસાર તેમની દફનવિધિ જેરુસલેમમાં કરવામાં આવી.