19 વર્ષની દીકરી આરતી બ્રેઇનડેડ મૃત જાહેર થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો
અમદાવાદ સિવિલમાં ૯ મહિનામાં ૯ અંગદાન : ૨૭ જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન
સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બ્રેઈનડેડ દર્દીના લિવરમાંથી બે ભાગ કરી જૂદા-જૂદા દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા
અમદાવાદ,
ભારતીય સંસ્કૃતિમાં અન્ન દાન, રક્ત દાન જેવા વિવિધ દાનનો મહિમાં સમજાવવામાં આવ્યો છે. પરંતુ ૨૧મી સદીમાં અંગદાનને મહાદાન માનવામાં આવે છે. ભગવાન માણસને બનાવે છે, માણસને જીવન બક્ષે છે. પરંતુ માનવી જ્યારે જીવન ટૂંકાવી દે છે ત્યારે તેના અંગો થકી 6 થી 8 વ્યક્તિ જીવી શકે છે તેમનું જીવન ઘોરણ સુધરી શકે છે.
આવી જ એક ઘટના બની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોરબીની 19 વર્ષીય આરતી રણવા બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ સમાજ ઉપયોગી બનવા અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ દીકરીના અંગદાને પાંચ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આરતીના પાંચ અંગોમાંથી એક કીડની સુરેન્દ્રનગરના 11 વર્ષીય બાળક, જ્યારે બીજી કિડની અને પેન્ક્રીઆઝ 34 વર્ષીય જૂનાગઢના દર્દીને જયારે લીવરનો 75 ટકા ભાગ વિરમગામના 53 વર્ષીય વિરમગામના દર્દીને અને 25 ટકા ભાગ મહેસાણાના 6 વર્ષીય બાળકમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યો છે.
આરતીબેન રણવા સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃત જાહેર થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ Tissue And Transplant Organization)ની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટેની સમજણ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવીને કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યું હતુ.
મૃત આરતી બેન રણવાના પરિવારજનો કહે છે કે, “અમારા આરતીબેન નાનીવયે બ્રેઇનડેડ મૃત્યુ પામ્યા જે અમારા માટે આધાતજનક હતુ. પરંતુ તેમને અન્યોના જીવમાં જીવંત રાખવા અને સિવિલ હોસ્પિટલ દ્વારા જે અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું તેને સાર્થક કરવાના ઉમદા હેતુથી અમે અંગદાનનો નિર્ણય કર્યો હતો. જરૂરિયાતમંદ દર્દીને તેમના અંગોનો લાભ આપી તેમની કાર્યદક્ષતામાં સુધાર આવે તેવા ઉમદા પ્રયાસથી આરતીબેનના અંગોનું દાન કરવામાં આવ્યું છે.
પરિવારજનો કહે છે કે, જીવન એક વરદાન છે અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવુ એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજે કોઇની મદદ કરવાની હોય ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે ત્યારે અમારા સમગ્ર પરિવારે હિંમતપૂર્વક સમાજ ઉપયોગી બનવા માટે જ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો છે. અમારો સમાજને એક જ સંદેશ છે કે અન્યોના જીવ બચાવવાના આ યજ્ઞમાં તમામે સહભાગી બનવું જોઇએ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત બ્રેઈનડેડ જાહેર થતાં મૃતકોના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. પરિવારજનો કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરીને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ જ 9 મહિનાના ટૂંકા ગાળામાં કોરોના કાળની વચ્ચે પણ નવ બ્રેઇનડેડ મૃતકોના અંગોના દાન થકી 27 દર્દીઓ જેમાં 10 લીવર, 15 કિડની અને 2 સ્વાદુપિંડનું અને 24 દર્દીઓમાં આંખોનું પ્રત્યારોપણ કરવામાં સફળતા મળી છે. આરતીબેન રણવાના પરિવારજનોએ અંગદાનનું પ્રેરણાદાયી કાર્ય કરીને સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે.