ગેરરીતિ બદલ ૯ હોસ્પિટલને સસ્પેન્ડ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ
અમદાવાદ,
હવે આયુષ્યમાન યોજનામાં લાભાર્થીઓ સાથે ગેરરીતિ નહી થાય અને લાભાર્થીઓને યોગ્ય માહિતી અને સારી સારવાર મળી રહેશે. આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ રોકવા રાજય સરકાર સક્રિય થઈ છે. લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-૭ અને ૮ દરમિયાન અમદાવાદની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જયાં ગેરરીતિ બદલ જિલ્લાની ૯ હોસ્પિટલને સસ્પેન્ડ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.
સુરતમાં ધર્માદા હોસ્પિટલ, નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ તો બનાસકાંઠામાં કરણી હોસ્પિટલ, ચિલ્ડ્રન હોસ્પિટલ જયારે ગીર સોમનાથમાં શ્રી જીવન જયોત આરોગ્ય સેવા સંઘ, સાબરકાંઠામાં સ્મૃતિ ચિલ્ડ્રન હોસ્પિટલ અને મેડીસ્ટાર હોસ્પિટલ જયારે અમરેલીમાં રાધિકા જનરલ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે બે કરોડથી વધુનો હોસ્પિટલોને દંડ ફટકાર્યો હતો.
આ યોજનાની અમલવારીમાં ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરાઈ છે. આ યુનિટ હોસ્પિટલોનું સતત મોનિટરીંગ કરે છે. લાભાર્થીઓને યોજના અંગે કોઈ માહિતી મેળવવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે. આયુષ્યમાન યોજનામાં ૧૦ લાખનું વિના મૂલ્યે આરોગ્ય કવચ પૂરૂ પડાય છે. દરેક સભ્યને વ્યકિતગત આયુષ્યમાન કાર્ડ અપાય છે. જેની મદદથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવી બિમારીની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળી શકે છે.