નર્મદા જિલ્લાના તિલકવાડામા આદિવાસીઓ માટેની યોજનામા પર પ્રાંતિયો પાસે કરાવવામા આવતું હતું કામ, AAPના નિરંજન વસાવાએ ભાંડો ફોડ્યો
સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ગુરુમુખી આદિવાસી વિકાસ કેન્દ્ર ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સ્થાનિકોને સાથે રાખીને હલ્લાબોલ કર્યું હતું, તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ઓલ ઈન્ડિયા ટ્રાઈફેડના ડિરેક્ટર અને પૂર્વ સાંસદ એવા રામસિંગ રાઠવાના નેજા હેઠળ આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમ સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળે તેવા હેતુથી ચલાવવામાં આવે છે પરંતુ નિયમોને નેવે મૂકીને સ્થાનિકોની બાદબાકી કરીને રાજસ્થાન જેવા પરપ્રાંતમાંથી કારીગરો બોલાવી તેમની પાસે હાથ બનાવટની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે.
તેઓએ પોતે ત્યાં જઈને વિડીયોગ્રાફી કરીને એવો દાવો કર્યો હતો કે, અહીંયા પરપ્રાંતીઓ અને બહારના જિલ્લાના બિન આદિવાસી લોકો કામ કરી રહ્યા હતા પરંતુ તેઓ અહીંયા આવવાના છે તેવી તેઓને જાણ થઈ ગઈ હોય જેથી ત્યાંથી તેઓને પલાયન કરી દેવામાં આવ્યા હતા. તેઓએ ત્યાં હાજર સ્થાનિક બેહનો પાસેથી માહિતી મેળવી હતી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જ્યારે કોઈ સરકારી કાર્યક્રમ હોય અથવા કોઈ બહારના નેતા પધારવાના હોય ત્યારે સ્થાનિક આદિવાસી ભાઈ બહેનોને 200-200 રૂપિયા આપીને કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે અને સ્થાનિકો અહીંયા રોજગારી મેળવે છે તેઓ દેખાડો ઉભો કરવામાં આવે છે.
આમ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા તિલકવાડા ખાતે કલસ્ટર યોજનામાં આદિવાસીઓના નામે બિન આદિવાસીઓ લાભ લઈ જાય છે અને ભ્રષ્ટાચાર કરે છે તેવા સનસનાટી પૂર્ણ આક્ષેપો કર્યા હતા. તેમણે આ મુદ્દે તંત્ર પાસે જીણવટભરી તપાસ કરી અને સત્ય બહાર લાવવાની માંગણી કરી હતી.