એક મહિનાથી બંધ રસોડું ફરી શરુ થશે
WCK CEO એરિન ગોરે કહ્યું, “ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ ગંભીર છે પરંતુ અમે એ જ ઉર્જા, ગૌરવ સાથે અમારી કામગીરી ફરી શરૂ કરી રહ્યા છીએ અને શક્ય તેટલા લોકોને જમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”
રફાહ,તા.૨૯
કોઈ પણ ધર્મમાં મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો હોય છે તેવો ભાવ પ્રગટ થતો હોય છે. દુનિયાભરમાં એવા કેટલાય માનવતાવાદી કાર્યકરો છે કે, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ માનવતા છોડતા નથી. યુદ્ધ હોય કે, કુદરતી આફત તેમના માટે માનવતાનું રક્ષણ જ મુખ્ય સાધના છે. આવા સમૂહોની ઉપસ્થિતિ જ તકલીફમાં આવેલા લોકો માટે આશાનું કિરણ હોય છે.
મળતા સમાચારો મુજબ ઇઝરાયેલી હવાઈ હુમલામાં સાત સહાયક કર્મચારીઓના મૃત્યુ બાદ લગભગ એક મહિના પછી વર્લ્ડ સેન્ટ્રલ કિચન ગાઝામાં ખોરાકનું વિતરણ ફરી શરૂ કરવાનું છે. એટલે કે, આશ્રિતો માટે હવે રસોડું ફરી ધમધમશે. સહાય સંસ્થાએ જણાવ્યું હતું કે, તેની પાસે રફાહ ક્રોસિંગ દ્વારા પ્રવેશવા માટે તૈયાર ભોજન સાથે ૨૭૬ ટ્રક છે અને કર્મચારીઓએ પણ પહેલા જેવા જુસ્સા સાથે નક્કી કર્યું કે, આપણે ખોરાક આપતા રહીશું.
અહીં ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં વેરહાઉસ છોડી રહેલા સંસ્થાના કાફલા પર ઇઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને આંતરરાષ્ટ્રીય આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ ઇઝરાયેલ સંરક્ષણ દળોએ પણ સ્વીકાર્યું કે, “ગંભીર ભૂલો”ને કારણે રસોઈ કામદારો ઉપર જીવલેણ હુમલો થયો. આ ઘટનામાં બે વરિષ્ઠ અધિકારીઓને ઈઝરાઈલે બરતરફ કર્યા હતા. હજુ પણ સંસ્થા દ્વારા કામદારોના મૃત્યુ અંગે નિષ્પક્ષ અને આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરવાનું ચાલુ છે, આ સહાયકોમાં ત્રણ બ્રિટન, એક પેલેસ્ટિનિયન, ઓસ્ટ્રેલિયન, પોલ અને યુએસ-કેનેડિયન નાગરિકના મૃત્યુ થયા હતા.
WCK CEO એરિન ગોરે કહ્યું, “ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ ગંભીર છે પરંતુ અમે એ જ ઉર્જા, ગૌરવ સાથે અમારી કામગીરી ફરી શરૂ કરી રહ્યા છીએ અને શક્ય તેટલા લોકોને જમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.” WCKએ ગાઝામાં અત્યંત જરૂરી સહાયની એક મુખ્ય સંસ્થા છે. ઓક્ટોબરમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી તેણે ગાઝામાં ૪ કરોડથી વધુ લોકોને ભોજન આપ્યું છે. મહિલાઓ અને બાળકો અમારી મુખ્ય પ્રાથમિકતા છે.