(રીઝવાન આંબલીયા)
અમદાવાદ,તા.૨૯
ગુજરાતમાં જે શોભાયાત્રા યોજાઈ તે કદાચ વિશ્વમાં પહેલીવાર આવી રીતે “વિશ્વ રંગભૂમિ દિને” શોભાયાત્રાની યોજના થઈ હશે..!
સંગીત, નૃત્ય, નાટકના કલા સાધકોના હૈયે વસેલા ભરતમુનિ અને તેમનું નાટય શાસ્ત્ર અનોખી રીતે પોખાયા. ગજરાજ પર સવાર ભરતમુનિ, એમના હાથમાં શોભતું નાટ્ય શાસ્ત્ર, (કલ્પેશ પટેલ) હાથીની પાછળ બે ઊંટ ગાડીઓમાં ગુજરાતના ઘરેણા સમાન કવિઓ, લોક્સાહિત્યકારો, ગાયકો.. શોભાયાત્રાના પ્રારંભમાં નાસિક બેન્ડના નાદ સાથે નૃત્ય કરતા ગુજરાત તથા મહારાષ્ટ્રના અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક, – નૃત્ય ગુરુઓ, ક્લાકારો અને એમને જોવા માટે બંને તરફ ટોળે વળતા નગરજનો જોવા મળ્યા હતા.
આ આખી અનોખી ઘટના બુધવારે અમદાવાદમાં યોજાઈ હતી. જે હવે ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે. એની પરિકલ્પના જાણીતા નાટય કલાકાર અને સંસ્કાર ભારતી કર્ણાવતીના મહામંત્રી મનીષભાઈ પાટડીયાની હતી. જે ૨૭ માર્ચ ૨૦૨૪ના રોજ મૂર્તિમંત થઈ.
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત, ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાત સંગીત નાટક અકાદમીના સૌજન્યથી સંસ્કાર ભારતી- કર્ણાવતી જિલ્લાના યજમાનપદે આ સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરતમુનિના પૂજન અને ગજારોહણ બાદ શોભાયાત્રા વાજતે ગાજતે લગભગ સવા કિલોમીટર જેટલું ચાલી ફરી પાછી રવિશંકર રાવલ ક્લા ભવનમાં પ્રવેશી હતી.
કલાકારો મન મૂકીને નાચ્યા..
તરત જ અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, રાજુ બારોટ, મોસમ મલકા મહેતા અને હેતલ મોદીએ… જુની રંગભૂમિના ગીતો, ભવાઈના ગીતો વડે અનોખો માહોલ ઉભો કર્યો. સમગ્ર સભા મંડપમાં જયાં નજર કરો ત્યાં એકથી એક ચડિયાતા ક્લાકારો નજરે પડે.
આ અવસરે વરિષ્ઠ ક્લાકારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ હરોળમાં કવિ શ્રી માઘવ રામાનુજ, ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ, સંગીત નાટક અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને નૃત્ય ગુરુ સ્મિતાબેન શાસ્ત્રી, સુભાષ બ્રહ્મભટ્ટ, કલા જગતનું જાણીતું નામ ડૉ.કનુ પટેલ, રંગમંચ ફિલ્મ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર મકરંદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લા, ફિરોઝ ઈરાની, ભાવિની જાની, સુજાતા મહેતા, કુકુલ તાર માસ્તર, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવ, સંસ્કાર ભારતી ગુજરાતના અધ્યક્ષ અભેસિંહ રાઠોડ, સંસ્કાર ભારતીના પ્રાચીન વિધાના અખિલ ભારતીય સંયોજક ઓજસભાઈ હીરાણી, ગુજરાતના મહામંત્રી જયદીપસિંહ રાજપુત, ખજાનચી જગદીશ જોશી, જાણીતા અભિનેતા દિગ્દર્શક જીતેન્દ્ર ઠક્કર, ગુજરાત પ્રાંત મંત્રી મનીષ પારેખ, સંસ્કાર ભારતી ગુજરાતના સંયોજક અને જાણીતા નાટયકર્મી કપિલદેવ શુક્લ ઉપરાંત જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર સમગ્ર રાજ્યભરમાંથી કલાકારો ઉમટી પડયા હતા.
શોભાયાત્રાના પ્રારંભે અને કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન લઈ ક્લાકારો જીવનભરનું સંભારલું લઈ છૂટા પડ્યા હતા. સમગ્ર આયોજનમાં કર્ણાવતી સમિતિના અધ્યક્ષ કમલેશ ઉદાસી, મનીષ પાટડીયા, ઉપાધ્યક્ષ શીતલબેન મક્વાણા, કોષાધ્યક્ષ અતુલ પટેલ, સહિત મેહુલ પટેલ, પિયુષ સોલંકીના રાત દિવસના આખા પ્રયત્નોથી સમગ્ર કાર્યક્રમ રંગે ચંગે પાર પડ્યો હતો.
આ આખા કાર્યક્રમની ફોટોગ્રાફી આપણા જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ એ કરી હતી
(માહીતી જયેશ વોરા સેલિબ્રિટી ફોટોગ્રાફર દ્વારા)