અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું શાનદાર પ્રિમીયર યોજાઈ ગયું
(રીઝવાન આંબલીયા)
અહેવાલ : યોગેશ પંચાલ
આ ફિલ્મ એ ફક્ત ફિલ્મ નથી પણ જ્યારે પતિ-પત્નિ એક-બીજાથી કોઈ પણ કારણસર છૂટા પડે ત્યારે સમજાતી લાગણી છે “હું તારા વિના કંઈ નહીં”
દિવાળીના તહેવારની નજીક જ રીલિઝ થયેલ આ ફિલ્મ સંપૂર્ણરીતે પારિવારિક અને સામાજિક ફિલ્મ છે.
અમદાવાદ,
18મી ઓક્ટોબરના રોજ રીલીઝ થયેલ ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું શાનદાર પ્રિમીયર અમદાવાદમાં યોજાઈ ગયું. આ ફિલ્મની સ્ટોરી-સ્ક્રીનપ્લે અને ડાઈલોગ્સ સંજય પ્રજાપતિએ લખ્યા છે કે, જે દરેકનાં હૃદયને સ્પર્શી જાય તેવા છે. સંજય પ્રજાપતિની વાર્તા અને ધારદાર ડાઈલોગ્સ હસાવવાની સાથોસાથ આંખો પણ ભીની કરી જાય છે. આ વાર્તામાં બાપ-દીકરા અને બાપ-દીકરીનાં સંબંધોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યાં છે.
આ ફિલ્મની મેઈન વાર્તા છે પાર્થ (ઉમેશ બારોટ) અને પ્રિયા (રૂબીના બેલીમ)ની એક એવા કપલની કે, જે એકબીજાનાં ગાઢ પ્રેમમાં પડે છે અને એ પછી મેરેજ કરી લે છે. મેરેજના એક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ પાર્થ અને પ્રિયાના વિચારોમાં વિરોધાભાસ આવી જાય છે. ફેમિલી પ્લાનિંગને લઈને બન્ને જણ વચ્ચે ઉગ્ર દલીલો થાય છે અને બન્ને એકબીજાની સમસ્યાઓ વિશે જાણ્યા વિના જ છૂટા-છેડા લેવાનુું નક્કી કરી લે છે. એ બન્ને છૂટા પડતા જ બન્નેનાં માં-બાપ પાર્થ અને પ્રિયાને સમજાવીને સોમનાથ મંદિરની એક છેલ્લી યાત્રા ગોઠવે છે. જેના માટે બંન્ને સંમત થાય છે. શું આ પ્રવાસ તેમના તૂટેલા સંબંધને ફરીથી સાજા કરશે..? એ જાણવા માટે આપ સહુએ જોવી પડશે ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”
આ વાર્તાની સંજય પ્રજાપતિએ ખૂબ જ વાસ્તવિકતાથી રજૂઆત કરી છે. જેને ધ્રુવલ સોદાગરે એટલી જ પ્રામાણિકતાથી ડીરેક્ટ કરી છે. ફિલ્મમાં એમણે દરેક સીનને ન્યાય આપ્યો છે. ધ્રુવલ સોદાગરની આ પ્રથમ ફિલ્મ હોવા છતાય ક્યાંય એવું લાગી રહ્યું નથી કે, આ એમની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મને પ્રોડ્યુસ પણ ધ્રુવલ સોદાગરે જ કરી છે.
ફિલ્મનાં કલાકારોની વાત કરીએ તો ફિલ્મનું મુખ્ય પાત્ર નિભાવ્યું છે ગુજરાતનાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ઉમેશ બારોટે પાર્થનું પાત્ર એમણે ખૂબ જ વાસ્તવિક અને જીવંત બનાવી દીધું છે. એમની પત્નિ પ્રિયાના પાત્રમાં રૂબિના બેલીમે પણ ખૂબ જ સારો અભિનય કર્યો છે. આ ફિલ્મમાં સિનિયર એક્ટર નિસર્ગ ત્રિવેદીએ પાર્થના પપ્પાનું અને જૈમિની ત્રિવેદીએ પાર્થના મમ્મીનું કેરેકટર પ્લે કર્યું છે. આ બન્ને સિનીયર એક્ટર્સે કાબિલે દાદ અભિનય કર્યો છે. બાપનાં પાત્રમાં નિસર્ગ ત્રિવેદી જામી રહ્યા છે. આ સિવાય કોમલ પંચાલે પ્રિયાની મમ્મીનું અને જેડી ગૌરાંગે પ્રિયાનાં પપ્પાનું કેરેકટર પ્લે કર્યું છે. બંન્નેએ પણ એમના પાત્રોને અનુરૂપ ખૂબ જ સરસ કામ કર્યું છે. આ સિવાય ફિલ્મમાં કુલદીપ મિશ્રા ડોક્ટરના પાત્રમાં જોવા મળે છે કે, જે ઓડિયન્સને હસાવીને ફિલ્મને હળવું રાખી રહ્યા છે. જેમણે પણ ખૂબ જ સારો અભિનય કર્યો છે.
આ ફિલ્મના ગીતો ફિલ્મની રિલીઝ પહેલાં જ ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે કે, જે વાર્તાને અનુરૂપ છે. ફિલ્મનાં ગીતો લખ્યાં છે આનંદ મહેરાએ. આ ફિલ્મનું સંગીત આપ્યું છે મયુર નાડિયાએ જે દિલને સ્પર્શી જાય એવું છે. ફિલ્મના સીંગરની વાત કરીએ તો ફિલ્મના ગીતો ગાયા છે ઉમેશ બારોટ અને સુરભી બદમાલીયાએ. ઉમેશ બારોટના અવાજનો જાદુ ઓડિયન્સ પર એટલી અસર કરે છે કે, ઓડિયન્સ દરેક ગીતો ગણગણ્યા વગર રહી નથી શકતું.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે મનોજ સિંગે કે, જે ખૂબ જ સુંદર અને ફિલ્મને અનુરૂપ છે.
ઘનશ્યામ તળાવિયાએ ફિલ્મનું એડીટીંગ કર્યું છે કે, જે જમા પાસુ છે.
આ ફિલ્મના ડીઓપી પણ ધ્રુવલ સોદાગર છે કે, જેમનો સાથ નિભાવ્યો છે ધર્મેષ પરમાર અને કુંદન ઠાકોરે. આ ત્રિપુટીનું કામ એટલું સુંદર છે કે, દરેક સીન આંખોને ગમી જાય છે.
ટૂંકમાં કહું તો દિવાળીના તહેવારની નજીક જ રીલિઝ થયેલ આ ફિલ્મ સંપૂર્ણરીતે પારિવારિક અને સામાજિક ફિલ્મ છે. જે થકી લેખક સંજય પ્રજાપતિ અને દિગ્દર્શક ધ્રુવલ સોદાગરે દરેક્ને સમજવા લાયક સંદેશ આપવાની કોશિષ કરી છે કે, મેરેજ એ કોઈ ઢીંગલા-ઢીંગલીની રમત નથી. મેરેજ પછી પતિ-પત્નિની વચ્ચે જો નાની-મોટી વાતમાં નાના-મોટા ઝઘડા થાય તો છૂટાછેડા એ કોઈ વિકલ્પ નથી.
“હું તારા વિના કંઈ નહીં” આ ફિલ્મ એ ફક્ત ફિલ્મ નથી પણ જ્યારે પતિ-પત્નિ એક-બીજાથી કોઈ પણ કારણસર છૂટા પડે ત્યારે સમજાતી લાગણી છે “હું તારા વિના કંઈ નહીં”
આર્ટિસ્ટ : ઉમેશ બારોટ, રૂબીના બેલીમ, નિસર્ગ ત્રિવેદી, જૈમિની ત્રિવેદી, JD ગૌરાંગ, કોમલ પંચાલ, કુલદીપ મિશ્રા
મ્યુઝિક : મયુર નાડિયા, મનીષ ભાનુશાલી
ડિરેક્ટર : ધ્રુવલ સોદાગર
સિનેમેટોગ્રાફી : ધ્રુવલ સોદાગર, ધર્મેશ પરમાર
સોંગ રાઈટર : આનંદ મહેરા
અહેવાલ : યોગેશ પંચાલ