અમદાવાદ : SVP હોસ્પિટલમાં પૂરૂષ ડોક્ટરે ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરતા કરતા પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરીને ખરાબ નજર નાખી
સોનોગ્રાફી વિભાગના રોમિયો ડોક્ટર સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,તા.૧૭
શહેરની SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સોનોગ્રાફી કરાવવા ગઈ હતી, ત્યારે એક પૂરૂષ ડોક્ટરે સોનોગ્રાફી કરતા કરતા પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરીને ખરાબ નજર નાખી હતી. આથી, ગભરાયેલી મહિલા ત્યાંથી બહાર નીકળી ગઈ હતી. બાદમાં તેણે પતિને આ બાબતે જાણ કરતા સોનોગ્રાફી વિભાગના રોમિયો ડોક્ટર સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે, ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે, પરંતુ અમદાવાદના આ ડોક્ટરની કરતૂત જાેતા જ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
દરિયાપુરમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાને પાંચ માસનો ગર્ભ હતો. ગત તારીખ ૯મીએ બાળકની હલન ચલન બંધ થતા તે વી.એસ. હોસ્પિટલ ચેકઅપ માટે ગઈ હતી. જાેકે, તેની દવા એસવીપીમાં ચાલતી હોવાથી તેને ત્યાં ગાયનેક વિભાગમાં મોકલાઇ હતી, ત્યારે સ્ટાફે સોનોગ્રાફી કરવાનું કહેતા મહિલા લેબમાં ગઇ હતી, જ્યાં હાજર પૂરૂષ ડોક્ટરે એક બાદ એક મહિલા ડોક્ટર અને સ્ટાફને બહાર મોકલી મહિલાની એકલતાનો લાભ લઇને સોનોગ્રાફી શરૂ કરી હતી. આ દરમિયાન ડોક્ટર મહિલાના શરીરના ભાગે અડપલાં કરીને ખરાબ નજરે જાેતો હતો. બાદમાં હિન્દી ગીતો ગાઇને મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર નજર નાખતા મહિલા ગભરાઇને ઉભી થઇ ગઇ હતી.
આ બાદ મહિલા બહાર આવી અને મહિલા ડોક્ટર સાથે સમગ્ર બાબતે વાત કરીને તેણે સોનોગ્રાફી પૂર્ણ કરાવી હતી. બીજા દિવસે આ ડોક્ટર કોણ હતું તે બાબતે મહિલા તેના પતિ સાથે તપાસ કરવા આવી ત્યારે સોનોગ્રાફી વિભાગના વિવેક નામના ડોક્ટર હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી આ મામલે ફરિયાદ નોંધાવતા એલિસબ્રીજ પોલીસે વિવેક નામના ડોક્ટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, આ પ્રકારની ઘટના ખૂબ જ ચિંતા જનક છે કારણ કે, કોઈ મહિલાની મજબૂરીનો આવી રીતે ફાયદો ઉપાડવા એ ખૂબ ખરાબ ઘટના છે. હવે પોલીસ તપાસ બાદ ખુલાસો થશે કે, ઘટના શું બની હતી..?
(જી.એન.એસ)