SVP હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર ચાલુ કરવા ગ્યાસુદ્દીન શેખની માંગણી બાદ વિધાનસભા ગૃહમાં સરકારની હકારાત્મક જાહેરાત
વી.એસ. હોસ્પિટલ સુપર સ્પેશ્યાલીટી સેવાઓ સહિત પૂર્ણ ક્ષમતા સાથે ફરી શરૂ કરવા
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગ
વર્ષ ૨૦૧૦થી સતત રજૂઆતો કરી ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના કરોડો લોકો માટે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની યોજનાઓ બનાવવામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો મહત્ત્વનો ફાળો
અમદાવાદ, તા.૩૦
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિનિયોગ-વિધેયકની ચર્ચામાં અમદાવાદ શહેરની એસ.વી.પી. હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ તથા વાત્સલ્ય કાર્ડ અન્વયે દર્દીઓને સારવારની સુવિધા પૂરી પાડવા અંગેનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. આ મુદ્દાની ચર્ચામાં ભાગ લેતાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, એસ.વી.પી. હોસ્પિટલને લગભગ રૂ. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જ્યારે એસ.વી.પી. હોસ્પિટલ ચાલુ કરવામાં આવી અને વી.એસ. હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી એ સમયે પણ સતત બે મહિના સુધી મારા દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ‘વી.એસ. બચાવો’ આંદોલનના અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે રૂબરૂમાં ચર્ચા થઈ હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વી.એસ. હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીટી સેવાઓ બંધ થતાં ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સારવારથી વંચિત ન રહે તે માટે એસ.વી.પી. હોસ્પિટલમાં આયુષ્યમાન અને વાત્સલ્ય યોજનાનો લાભ આપવા અંગે બાંહેધરી આપી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી એટલે કે જ્યારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી એસ.વી.પી. હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ અંતર્ગત લોકોને સારવાર આપવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે.
એસ.વી.પી. હોસ્પિટલ રૂ. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે પરંતુ તેમાં ૧૦૦ કરતાં વધુ દર્દીઓ આવતા નથી. એસ.વી.પી. હોસ્પિટલમાં મેડીકલ, પેરામેડીકલ અને અન્ય સ્ટાફની સંખ્યા ૫,૦૦૦ અને દર્દીઓની સંખ્યા ૧૦૦ છે. એસ.વી.પી. હોસ્પિટલમાં તાત્કાલિક ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્યમાન કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર આપવાની ચાલુ કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી હતી. ધારાસભ્ય શેખે જણાવ્યું હતું કે, ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની યોજનાઓ બનાવવા વર્ષ ૨૦૧૦થી સતત રજૂઆતો કરતો આવ્યો છું, જેનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે અને ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના કરોડો લોકો મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મફત સારવારનો લાભ મેળવે છે.
ધારાસભ્ય શેખે જણાવ્યું હતું કે, વી.એસ. હોસ્પિટલ સુપર સ્પેશ્યાલીટી સેવાઓ સહિત પૂર્ણ ક્ષમતા સાથે ફરીથી શરૂ કરવા માટે છેલ્લા બે વર્ષથી રૂ. ૧૨૦ કરોડની રકમ ફાળવવામાં આવી હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવે છે, પરંતુ એનું કામ શરૂ થયું હોય તેમ જણાતું નથી. વી.એસ. હોસ્પિટલને સુપર સ્પેશ્યાલીટી સેવાઓ સહિત પૂર્ણ ક્ષમતા સાથે ફરીથી શરૂ કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી હતી.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ન્યાયિક માંગણીના અનુસંધાને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ હકારાત્મક જવાબ આપતાં જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમ્યાન કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસ.વી.પી. હોસ્પિટલને ડેઝીગ્નેટેડ કરવામાં આવી હતી, જેના કારણે આયુષ્યમાન કાર્ડ તથા વાત્સલ્ય કાર્ડ અન્વયે દર્દીઓને સારવાર આપવામાં આવતી નહોતી. તા. ૨૫-૨-૨૦૨૨ના આદેશથી આ કાર્ડ અન્વયે એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવા જણાવેલ છે અને જો તે અંગે કોઈ તકલીફ હોય તો જણાવવા પણ જણાવ્યું હતું.