અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (મેટ) દ્વારા તાજેતરમાં SVP હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ માટે ડિપોઝીટની રકમમાં રૂા. ૫ હજારથી રૂા.૨૦ હજાર સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેનો વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે સારવારના ચાર્જ અને ડિપોઝીટની રકમમાં કરાયેલો વધારો પાછો ખેંચવા તથા એસવીપી હોસ્પિટલમાં બંધ કરેલ “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” સહિતની યોજનાની સેવા ચાલુ કરવા માંગ ઉઠી છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી મકતમપુરા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર હાજી અસરારબેગ મીરઝાએ જણાવ્યું છે કે એસ.વી.પી. હોસ્પિટલના સારવારના દરોમાં અને ડિપોઝીટની રકમમાં તોતિંગ વધારો કરી આ હોસ્પિટલ માત્ર પૈસાદાર લોકો માટે જ હોય તેવી સ્થિતિનું સર્જન કરાયું છે. મ્યુનિસિપલ ભાજપના શાસકોએ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે એસ.વી.પી. હોસ્પિટલના દરવાજા બંધ કરી દીધા છે. SVP હોસ્પિટલમાં દોઢ વર્ષથી રાજય સરકારની “મા અમૃત્તમ” અને “મા વાત્સલ્ય” સહિતની યોજનાઓનો લાભ આપવાનું બંધ કરેલ છે. જયારે તોતિંગ ચાર્જના કારણે સામાન્ય દર્દીઓ દાખલ થતા નથી પરિણામે ૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં કાગડા ઉડે છે. માત્ર ઈમરજન્સીમાં ગણયાગાંઠયા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. હાજીભાઈ મીરઝાએ વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારી દરમ્યાન ધારાસભ્યો અને કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ૨૫૦ વેન્ટીલેટર ખરીદવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ૨૦૦થી વધુ વેન્ટીલેટર મ્યુનિ.ને આપ્યા હતા. ત્યારે એસ.વી.પી. હોસ્પિટલમાં વેન્ટીલેટરનો ચાર્જ વધારી રૂા.૨ હજાર કરી દેવાયો છે. જયારે અન્ય મ્યુનિસિપલ હોસ્પિટલોમાં રૂા.૧૫૦૦ જ વસુલાય છે. આમ એસવીપી દ્વારા સ્ટેન્ડીંગ કમિટી કે બોર્ડની મંજૂરી વિના મનફાવે તેમ ચાર્જ વસુલાય છે. ભાજપના શાસકો SVP હોસ્પિટલનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. પહેલા હોસ્પિટલના ચાર્જ ઉંચા કરાશે ત્યારબાદ આખી હોસ્પિટલ કોઈ કોર્પોરેટ હાઉસને આપી દેવાશે.
સામાન્ય મધ્યમવર્ગ તથા ગરીબ નાગરિકો પણ સારવારનો અધિકાર મેળવી શકે એસવીપી હોસ્પિટલના સારવારના ચાર્જ અને ડિપોઝીટની રકમમાં કરાયેલ વધારો તાકીદે રદ કરવા મકતમપુર કોર્પોરેટર હાજીભાઈ મિરઝા (સિમેન્ટવાળા) એ માગણી કરી છે.