યુએનના આ ઠરાવમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી છે.
ગાઝા,તા.૨૬
ગાઝામાં યુદ્ધવિરામને લઈને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાન થયું હતું. દરખાસ્ત ૧૪-૦થી પસાર થઈ. ઈઝરાયેલના મિત્ર દેશ અમેરિકાએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેણે પોતાના વીટો પાવરનો ઉપયોગ ન કરવાનો ર્નિણય કર્યો હતો.
અમેરિકાએ અગાઉ યુદ્ધવિરામ સંબંધિત ત્રણ પ્રસ્તાવો પર મતદાન કર્યું હતું. તે ગાઝામાં યુદ્ધવિરામની તરફેણમાં રહ્યો છે. સોમવારે યુએન (UN)માં વોટિંગ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટું પગલું ભર્યું છે. તેણે ઈઝરાયેલના પ્રતિનિધિમંડળનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. યુએનના આ ઠરાવમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી છે. ઠરાવમાં ૭ ઓક્ટોબરના હુમલા દરમિયાન પકડાયેલા તમામ બંધકોને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સહાય અધિકારીઓનું કહેવું છે કે, ગાઝા પટ્ટીની સમગ્ર વસ્તી ૨.૩ મિલિયન છે. તેઓ ખોરાકની અસુરક્ષાથી પીડાય છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રદેશમાં ૩૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૭૪,૦૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકો છે. ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં લગભગ ૧૨૦૦ લોકોના મોત થયા. આ હુમલા પછી જ યુદ્ધ શરૂ થયું. હમાસ પાસે હજુ પણ લગભગ ૧૦૦ ઇઝરાયલીઓને બંધક બનાવીને તેમજ ૩૦ અન્યના અવશેષો હોવાનું માનવામાં આવે છે.
નેતન્યાહુના નિર્ણય પર વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, તે ખૂબ જ નિરાશાજનક છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જાેન કિર્બીએ કહ્યું, આ નિરાશાજનક છે. અમે ખૂબ જ નિરાશ છીએ કે ઇઝરાયેલનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન નથી આવી રહ્યું. કિર્બીએ કહ્યું કે, વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ સાથે બાનમાં, માનવતાવાદી સહાય અને દક્ષિણ ગાઝા શહેર રફાહમાં નાગરિકોની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર અલગથી મુલાકાત કરશે.
તમને જણાવી દઈએ કે, ગેલેંટ હાલમાં વોશિંગ્ટનમાં છે. કિર્બીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુએન સુરક્ષા પરિષદના મતદાનથી દૂર રહેવાના નિર્ણય છતાં, યુએસ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.
(જી.એન.એસ)