Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : મહિલાઓને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી કિંમતી માલ સમાનની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ચોરી કર્યા બાદ સીસીટીવી (CCTV)માં રિક્ષા અને નંબર ઓળખાય ન જાય અને પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લીંબુ અને મરચા લટકાવતા હતા.

અમદાવાદ,તા.૦૩
મહિલાઓને રીક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકી પોલીસે ઝડપી પાડી છે. શહેરની ઝોન ૧ એલસીબીએ ૪ આરોપીઓની ધરપકડ કરી ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ઉલેખનીય છે કે, આરોપીઓ રિક્ષાનો નંબર ન ઓળખાય એ માટે નંબર પ્લેટ પર લીંબુ મરચા લટકાવતા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ શહેરમાં એકલી ફરતી મહિલાને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી કિંમતી માલ સમાનની ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે.

આરોપીઓમાં લાલા પટણી, પ્રકાશ ઉર્ફે શૈલેષ ઉર્ફે ઓડો પટણી, જીગ્નેશ મસ્કે અને કનુ પટણી છે. ઝડપાયેલા આરોપી મહિલાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી તેમણે પહેરેલા દાગીના કટર વડે કાપી ચોરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી રિક્ષામાં પોતાની ગેંગના અન્ય સાગરીતોને મુસાફર તરીકે બેસાડી ચોરી કરાવતા હતા. પોલીસે આરોપી પાસેથી ૧.૩૪ લાખના દાગીના મળી ૨.૯૪ લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે, તેઓએ અમદાવાદના નવરંગપુરા અને ગાંધીનગરના અડાલજમાં મહિલાના દાગીના ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે. ચોરી કર્યા બાદ સીસીટીવી (CCTV)માં રિક્ષા અને નંબર ઓળખાય ન જાય અને પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લીંબુ અને મરચા લટકાવતા હતા. જેથી તેમની રિક્ષાનો નંબર પોલીસ ન જાેઈ શકે. તેમ છતા સીસીટીવીની મદદથી અને આરોપીના અગાઉના ગુનાની વિગતના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ હતી.

મહત્વનું છે કે, આરોપીઓની પુછપરછમાં હજી બે જ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જાે કે, પોલીસને શંકા છે કે, આરોપીઓની પુછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે. સાથે જ ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચતા હતા. તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસ પણ અપીલ કરી રહી છે કે, એકલી મહિલાઓ રિક્ષામાં મુસાફરી સમયે સાવચેત રહે.

 

(જી.એન.એસ)