PM Kisan યોજનાનો લાભ અપાવવા અરવલ્લી તંત્રની આડસ, ફોર્મ ભર્યાના 3 મહિના પછી પણ અરજી પેન્ડિંગ, ખેડૂત ખાતેદારોને ધરમના ધક્કા..!!
પીએમ કિસાન સન્માન નિધી માટે ધરમના ધક્કા.. !!
પંચાયતમાં ભરેલ ફોર્મ દર 10 દિવસે અપડેટ થવા જોઇએ
મહિનાઓ વીતી જવા છતાં એક્સેલ ડાટા જિલ્લા કક્ષાએ પહોંચતો નથી..!!
ડિજિટલ યુગમાં આટલી વાર કેમ લાગે છે તે એક સવાલ
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના સન્માન માટે સારી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના લાગૂ કરી છે, પણ સરકારની સારી યોજનાની અમલવારીમાં જિલ્લા વહીવટી તંત્રને જરાય રસ નથી જેથી ખેડૂત ખાતેદારો સુધી આ યોજનાનો લાભ પહોંચી શકતો નથી. ત્રણ ત્રણ મહિના વીતી જવાં છતાં પણ ખેડૂતોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પંચાયતથી ત્રણ ત્રણ મહિનાથી જિલ્લા સુધી નવા ડાટા આવતા સમય વીતી જાય છે. એટલું જ નહીં જ્યારે કોઇ ખેડૂતની વિગતમાં ઉણપ જણાય તો પણ ખેડૂતને ખ્યાલ આવતો નથી. જ્યારે ખેડૂતના ખાતામાં પીએમ કિસાનનો હપ્તો ન પડે તો તપાસ કરવા જાય તો ધક્કા ખાવાનો વારો આવે છે. અને આખરે ખ્યાલ આવે કે તેમના ખાતામાં કેટલીક વિગતો ઉમેરવાની છે.
અરવલ્લી જિલ્લામાં પણ સ્થિતિ કંઇક આવી જ છે. ડિસેમ્બર મહિનામાં મોડાસા તાલુકાના ખેડૂતોએ 9 ડિસેમ્બર 2021ના રોજ એન્ટ્રી કરાવી હતી, જો કે હજુ સુધી એટલે કે, 26 એપ્રિલ 2022ની સ્થિતિએ તલાટી એપ્રુવલ અને કલેક્ટર/ડીડીઓ એપ્રુવલ બાકી બતાવે છે. ત્રણ ત્રણ મહિનાનો સમય વીતિ જવા છતાં આટલી ઢીલી નીતિ કેમ છે તે એક સવાલ છે.
કેવી રીતે સિસ્ટમ કામ કરે છે તે પણ જાણવું જરૂરી છે..
ખેડૂત ખાતેદારો પહેલા પંચાયતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીનું ફોર્મ ભરે છે ત્યારબાદ ફોર્મ ક્યાં જાય છે કોણ અપ્રુવ કરે છે તે કોઇને ખ્યાલ આવતો નથી. સમય પણ કોઇ ફિક્સ નથી. ખેતીવાડી વિભાગમાં પણ આ અંગે જાણકારી મળતી નથી. કેટલીક ત્રણ મહિના થાય ત્યાં સુધી ખેડૂત ખાતેદારને ખ્યાલ નથી આવતો કે તેનું ફોર્મ ફાઈનલ સબમિટ થયું છે કે, નહીં અને જો આ અંગે પૂછપરછ ક્યાં કરવી તેના માટે પણ ધરમના ધક્કા ખાવા પડે છે, પંચાયતમાં જાય તો તાલુકા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત જાય તો જિલ્લામાં તપાસ કરો, જિલ્લો તો બહુ મોટો છે જિલ્લામાં ક્યાં તપાસ કરવી તે પણ એક સવાલ છે.. આખરે કોઇ ખેડૂત ભણેલ-ગણેલ હોય તો તપાસ કરે તો કદાચ ખ્યાલ આવે કે તેનું ફોર્મ ફાઈનલી સબમીટ થયું છે કે, કોઇક દસ્તાવેજ બાકી છે.
અરજી અપ્રુવ થઇ છે કે, નહીં તે તો ખેડૂતને ખ્યાલ જ નથી આવતો.. !!
ખેડૂત જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી માટે અરજી કરે છે અને ત્યારબાદ તેની અરજી અપ્રુવ થઇ છે કે, નહીં તે તો ખેડૂતને ખ્યાલ જ આવતો નથી. ત્રણ મહિના પહેલા ખેડૂતે કરેલી અરજીમાં તમામ દસ્તાવેજો સાથે અરજી કરી હતી, પણ જ્યારે તપાસ કરી તો તે ફોર્મમાં બેંક ખાતાની વિગતો ભરવા માટે જણાવાયું હતું, એટલે સવાલ એ છે કે, જ્યારે ખેડૂત કચેરીઓના ધક્કા ખાય ત્યારે તેની મંજીલ મળે અને આખરી મંજીલે પૂછપરછ કરે ત્યારે ખ્યાલ આવે કે, તેના ફોર્મમાં તો હજુ કેટલીક વિગતો ભરવાની છે. એટલે કે, જો તમે તપાસ કરો તો ખ્યાલ આવે કે, તમારી અરજીમાં હજુ કાંઇ ઘટે છે. બાકી તો અધિકારી રાજમાં વિચારતા જ રહો કે પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં પડશે. સરકાર તો યોજનાઓ પહોંચાડવા જ માંગે છે, પણ અધિકારીઓના રાજમાં આ બધુ અશક્ય છે.!!
ડિજિટલની સરકાર પ્રચાર પ્રસાર કરે છે પણ ગ્રાઉન્ડ પર તેની સ્થિતિ ખૂબ જ વિપરીત છે અને તેનો ભોગ અરજદારો બને છે અને અધિકારીઓ માત્ર કહી દે કે સિસ્ટમમાં બતાવતું નથી. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સ્પષ્ટ કરે કે, પીએમ કિસાન માટે ખેડૂત ખાતેદારોએ ક્યાં જવું અને કેવી રીતે અરજીનું સ્ટેટસ જોઇ શકે ?