યુવકના ઘરે તેની માતા અને બેન પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ
અમદાવાદ,તા.૨૮
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકે પ્રેમ લગ્ન કરવાના ઈરાદે યુવતીને ભગાડી ગયો હતો. જેને લઈ યુવતીના પરીવારજનો દ્વારા યુવકના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. યુવકના ઘરે તેની માતા અને બેન પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ મહિલા શરીરે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એસીબી કૃણાલ દેસાઈએ બતાવ્યુ હતુ કે, આરોપીઓએ યુવકના ઘર પર હુમલો કરીને તોડફોડ કરી હતી. જેમાં કેટલાક પેટ્રોલ છાંટીને આંગ ચાંપીને ૨ મહિલાને એટલે કે યુવકની માતા અને બહેનને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા લલિતાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને પોલીસે તપાસ શરુ કરી છે. ૨ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
અમરાઈવાડીમાં બંસીની ચાલીમાં રહેતા લલિતાબહેન યાદવના દીકરા અનિકેત ૨૪ જાન્યુઆરીના રોજ પડોશમાં રહેતી પ્રેમિકાને ભગાડીને લઈ ગયો હતો. જેથી છોકરીના પરિવારજનો લલિતાબેન અને તેના પરિવારને ધમકી આપી રહ્યા હતા. ગત મોડી રાત્રે એક વાગે લલિતાબેન અને તેમની દીકરી રીટા ઘરે સુતા હતા. ત્યારે છોકરીના ભાઈ રાહુલ ચૌહાણ, કાકા વિનોદ ચૌહાણ અને પિતરાઈ ભાઈ મનીષ ચૌહાણ ઘરની બહાર આવીને તોડફોડ શરૂ કરી હતી અને ત્યાર બાદ લલિતાબેન અને તેમની દીકરી રીટા પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.
અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને રાહુલ ચૌહાણ અને મનીષ ચૌહાણની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને આરોપીઓ રાહુલ અને મનીષ ફાર્મસીના વિદ્યાર્થી છે. બહેનના પ્રેમમાં અંધ થઈને પ્રેમી સાથે ભાગી જતા ભાઈઓએ બદલો લેવા માટે અનિકેતની માતા અને બહેનને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બંસીલાલની ચાલીમાં બંને પ્રેમી પંખીડાની વચ્ચેના પ્રેમ સંબધની જાણ પરિવારમાં હતી. જ્યારે આ પ્રેમી પંખીડા ઘરેથી નાસી ગયા ત્યારે છોકરીના પરિવારે લલિતાબેનને ધમકી આપી હતી અને દીકરાને પરત બોલાવવાનું કહ્યું હતું, પરંતુ અનિકેતનો કોઈ સંપર્ક લલિતાબેન પાસે નહતો. જેથી અદાવત રાખીને આરોપીએ બદલો લેવા હત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં લલિતાબેન ગંભીર રીતે દાઝી જતા તેમને એલ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.અમરાઈવાડી પોલીસે હત્યાના પ્રયાસમાં રાહુલ અને મનીષ ચૌહાણની ધરપકડ કરી છે, પરંતુ વિનોદ ચૌહાણ હજુ ફરાર છે. જેથી પોલીસે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત યુવક અને યુવતીને લઈને તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)