અમે પેલેસ્ટાઇનના અધિકારો માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો : ઈરાનના સર્વોચ્ચ નેતાએ તેમના સંબોધનમાં કહ્યું
અમે પેલેસ્ટાઇનના અધિકારો માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો, અને જાે જરૂર પડશે તો અમે ફરીથી કરીશું : ઈરાનના સર્વોચ્ચ નેતા
ઈઝરાયેલને ફરી હુમલાની ધમકી આપી..!
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ૫ વર્ષમાં પહેલીવાર શુક્રવારની નમાજની આગેવાની કરતી વખતે લોકોને સંબોધિત કર્યા.
ઈરાન,તા.૦૪
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ શુક્રવારની નમાજ બાદ લોકોને સંબોધિત કર્યા હતા. મંગળવારે ઈરાનના હુમલા અંગે તેમણે કહ્યું છે કે, આ હુમલો ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના અધિકારો માટે કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં જરૂર પડશે તો ફરીથી કરવામાં આવશે. ખામેનીએ કહ્યું કે, અમે અમારી જવાબદારી નિભાવી છે અને ભવિષ્યમાં પણ પૂરી કરીશું. અમે ન તો ઉતાવળ કરીશું કે, બંધ કરીશું નહીં.
સર્વોચ્ચ નેતાએ આરબ દેશો સહિત વિશ્વભરના મુસ્લિમોને સાથે આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, મુસ્લિમો વિરુદ્ધ વિનાશની રાજનીતિ કરવામાં આવી રહી છે, તેથી તેઓએ એક થવું જાેઈએ. ખામેનીએ હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ઈરાન તેના સંકટના સમયમાં લેબેનોનની સાથે છે. ખામેનીએ અમેરિકાનું નામ લીધા વિના હુમલો કર્યો અને કહ્યું કે, મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધનો આદેશ ફક્ત એક જ દેશમાંથી આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ દુશ્મનો સામે એકજૂથ અને સ્માર્ટ બનવું પડશે. તેમણે કહ્યું કે, દુશ્મનો આખી દુનિયામાં યુદ્ધ ઇચ્છે છે અને આપણે દુશ્મન સામે સમજદારીથી કામ કરવું જાેઈએ અને એકબીજાને મદદ કરવી જાેઈએ. તેમણે આરોપ લગાવ્યો કે, વિશ્વમાં મુસ્લિમો વિરુદ્ધ વિનાશની રાજનીતિ કરવામાં આવી રહી છે.
ખામેનીએ વિશ્વભરના મુસ્લિમ દેશોને ચેતવણી આપી છે કે, જાે મુસ્લિમો સાથે રહેશે તો અલ્લાહ તેમની મદદ કરશે. તેમણે કહ્યું કે, દુશ્મનો મુસ્લિમ દેશોની પાછળ છે. અફઘાનિસ્તાનથી લઈને યમન સુધી, ઈરાકથી લેબનોન સુધી દરેક મુસ્લિમ દેશને સમર્થન મળવું જાેઈએ. ખામેનીએ કહ્યું કે, દુશ્મનો એક દેશમાં પોતાનો ઉદ્દેશ્ય હાંસલ કર્યા પછી બીજા દેશમાં જાય છે. જાે મુસ્લિમો સાથે રહેશે તો અલ્લાહ આપણને આશીર્વાદ આપશે અને સાથે મળીને આપણે દુશ્મનોની યોજનાને નિષ્ફળ બનાવીશું.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયેલ અને તેના સમર્થક દેશો પર નિશાન સાધ્યું હતું. ખામેનીએ ગયા વર્ષે ઇઝરાયેલ પર હમાસના હુમલાને યોગ્ય ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેમના અધિકારો માટે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદો પેલેસ્ટિનિયનોને તેમની જમીનની રક્ષા કરવાનો અધિકાર આપે છે. ખામેનીએ કહ્યું કે, જે રીતે લેબનોનમાં અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, તે જ રીતે ગયા વર્ષે તે જ સમયે અત્યાચાર કરવામાં આવ્યા હતા.
ખામેનીએ કહ્યું કે, ગાઝામાં જે બન્યું તે બધાએ જાેયું. લોકોને વાંધો છે કે, હિઝબુલ્લાહ ગાઝાના લોકોને કેમ મદદ કરી રહી છે. પરંતુ આ એક કાયદો છે કે, આપણે વિશ્વભરના મુસ્લિમોને મદદ કરવી જાેઈએ. તે ઇસ્લામિક કાયદો છે કે, આપણે મુસ્લિમોને મદદ કરવી જાેઈએ. સર્વોચ્ચ નેતા ખામેનીએ હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહના મૃત્યુને શહીદ ગણાવતા કહ્યું કે, નસરલ્લાહ ‘શેતાન ઈઝરાયેલ’ સામે લડી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમે નસરલ્લાહની શહાદતથી દુખી છીએ પરંતુ હાર્યા નથી, દુશ્મન હસન નસરલ્લાહની શહાદતથી ડરી ગયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઈરાનની સહાનુભૂતિ લેબેનોન સાથે છે. ઈરાન તેના સંકટમાં લેબેનોનની સાથે છે. ખામેનીએ હસન નસરલ્લાહના મૃત્યુને ઈસ્લામના માર્ગમાં આપેલું બલિદાન ગણાવ્યું હતું. તેમણે આરબ દેશો અને ત્યાંના મુસ્લિમોને સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણા બધાનો એક જ દુશ્મન છે, જે ઈરાનનો દુશ્મન છે તે ઈરાક, લેબેનોન અને ઈજિપ્તનો પણ દુશ્મન છે.
(જી.એન.એસ)