સામાન્ય સારવારના ખર્ચમાં લોકોને મળશે ફાયદો
નવી દિલ્હી,તા. ૧૭
કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે લોકોને ફાયદો થશે અને થોડી રાહત પણ મળશે. જી હાં સરકાર દ્વારા કેટલીક દવાઓની કિંમત ઘટાડવામાં આવી છે. ડાયાબિટીસ, હૃદય, લીવર, ઈન્ફેક્શન અને એલર્જીની દવાઓ સસ્તી થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારે તેમની નવી કિંમતો નક્કી કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ તેની ૧૨૩મી બેઠકમાં ૪૧ દવાઓ અને સાત ફોર્મ્યુલેશનની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત વિવિધ કંપનીઓની દવાઓની છૂટક કિંમતો નક્કી કરવામાં આવી હતી. તેમાં મલ્ટીવિટામિન્સ અને એન્ટિબાયોટિક્સનો પણ સમાવેશ થાય છે. દેશમાં ૧૦ કરોડથી વધુ લોકો ડાયાબિટીસ અને ૮ કરોડથી વધુ લોકો બીપીથી પીડિત છે. આ ઉપરાંત ગેસ, ‘વિટામીન ડી’ કે, અન્ય વિટામીનની ઉણપને કારણે તેમની દવાઓનો ધંધો પણ દર વર્ષે ઝડપથી વધી રહ્યો છે. અનુમાન મુજબ, એનપીપીએના આ નિર્ણયથી ૩૦ કરોડથી વધુ લોકોને સીધી રાહત મળશે.
એનપીપીએ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી હતી. સામાન્ય રીતે ઈન્ફેક્શન, એલર્જી સિવાય મલ્ટીવિટામીન અને એન્ટીબાયોટીક્સના ભાવ વધારે હોય છે. જેના કારણે સામાન્ય સારવારનો ખર્ચ પણ વધી જાય છે. તેથી દવાઓ સસ્તી થશે તો લોકોને રાહત મળશે. ફેબ્રુઆરીમાં NPPAએ ડાયાબિટીસ અને BP સહિત ૬૯ દવાઓના ભાવમાં સુધારો કર્યો હતો અને નવી કિંમતો લાગુ કરી હતી, જેમાં ૩૧ ફોર્મ્યુલેશન દવાઓનો પણ સમાવેશ થાય છે. આ ઓર્ડરમાં મેટર્ફોમિન, સિતાગ્લિપ્ટિન, બિસોપ્રોલોલ ઉપરાંત વિટામિન ડી૩, પેન્ટોપ્રાઝોલ, ટેલમિસારટન, આઇસોનિયાઝિડ જેવી દવાઓ અને ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે.
(જી.એન.એસ)