Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ચાલુ ટ્રકમાં રમાડાતો હતો જુગાર, અંદરનું ટોળું જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

નડિયાદમાં થયો જુગારધામનો પર્દાફાશ

ચાલતી આઈસર ટ્રકમાં જુગારનો અડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સાથે કુલ ૪૨ વ્યક્તિઓને પોલીસે રંગેહાથે ઝડપી લીધા હતા.

નડિયાદ,તા.૨૧
મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકને પોલીસે અટકાવી તપાસ કરતા મોટા જુગારધામનો પર્દાફાશ થયો હતો જેમાં જુગાર રમતા ધોળકાના ૪૨ વ્યક્તિઓ ઝડપાયા હતા, પોલીસ દ્વારા રોકડ સાથે ૪.૭૨ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

દિવસેને દિવસે જુગારીયાઓ પણ પોલીસથી બચવા માટે અવનવા કીમીયા અજમાવે છે. જેમાં ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હરતું ફરતું જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. ચાલતી આઈસર ટ્રકમાં જુગારનો અડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સાથે કુલ ૪૨ વ્યક્તિઓને પોલીસે રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ સાથે ૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગતરાત્રે મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતુ શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવ્યું હતું. પોલીસે આઈસર ચાલક અને સાથે બેઠેલા ઈસમોનુ નામઠામ પુછતી હતી, ત્યારે પોલીસે પાછળ તપાસ આદરતા લોકો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા નજરે પડ્‌યા હતા. જે બાદ તમામ લોકોને નીચે ઉતારી કુલ ૪૨ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. આ તમામ લોકો ધોળકા- ખેડા- મહેમદાવાદ- મહુધા- ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રકને દોડવતા હતા.

પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી અંગજડતીમાથી રોકડ રૂપિયા ૧ લાખ ૫૫ હજાર ૪૯૦ તેમજ દાવ પરના રોકડ રૂપિયા ૯,૨૩૦ આ સાથે સાથે ૭ નંગ મોબાઇલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી આઈસર ટ્રક ૩ લાખ મળી કુલ રૂપિયા ૪ લાખ ૭૨ હજાર ૭૨૦નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(જી.એન.એસ)