૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થતાં માતા-પિતાની ચિંતામાં વધારો, તંત્ર એલર્ટ થયું
અમદાવાદ ચોમાસાની સિઝન પૂરી થતાં રોગચાળો વકર્યો, મચ્છરજન્ય રોગના કેસમાં વધારો
અમદાવાદ, તા. ૧૮
લગભગ છેલ્લા ૩ દિવસથી વરસાદના વિરામ વચ્ચે હવે રોગચાળાએ ગુજરાતનાં લોકોની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુનાં ૨૮૨ કેસ તો ચિકનગુનિયાનાં ૨૨ જેટલા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝન તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં મચ્છરજન્ય રોગોનાં કેસ સતત વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધી શહેરમાં ડેન્ગ્યુનાં ૨૮૨ કેસ તો ચિકનગુનિયાનાં ૨૨ કેસ નોંધાયા છે.
૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડેન્ગ્યૂના કેસ વધુ જાેવા મળી રહ્યા છે. ૭૭ બાળકો ૯ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૫ બાળકો ૯ થી ૧૫ વર્ષની વયના છે. આ બાબતે મળતી માહિતી અનુસાર, શાળા અને કોલેજમાં જતા બાળકોમાં ડેન્ગ્યુના કેસ વધુ જાેવા મળ્યા છે. બીજી તરફ મલેરિયાના ૪૭ તો ઝેરી મેલેરિયાના ૪ કેસ અત્યાર સુધી નોંધાયા છે. નોંધાયલ કેસમાં ૧૩૦ દર્દીની ઉંમર ૧૫ વર્ષ કરતા વધુ છે. તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન (AMC) દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોને સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવા અપીલ કરાઈ છે.
(જી.એન.એસ)