ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે થરાદની હત્યામાં મોબલીચીંગની કલમો ઉમેરવા માંગ કરી
મોબલીચીંગ કરનાર અખેરાજસિંહ વાઘેલા અને તેઓના સાથીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને પોતાને ગૌરક્ષક જણાવે છે.
અમદાવાદ,તા.૨૪
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય પોલીસ મહાનિદેશક વિકાસ સહાયને રૂબરૂ મળી બનાસકાંઠાના ડીસા-થરાદ હાઈવે ખાતે થયેલ મોબલીચીંગની ઘટનાને ગંભીરતાથી લેવા રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, થરાદ હાઈવે પર બે પાડી લઈને જતા મિશરીખાન જુમેખાનની મોબલીચીંગ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ ગૌરક્ષાના નામે ગુંડાગીર્દી કરવા સહિત ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે માટે ન્યાયના હિતમાં તાત્કાલિક મોબલીચીંગની કલમનો ઉમેરો કરવામાં આવે.
વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, મોબલીચીંગ કરનાર અખેરાજસિંહ વાઘેલા અને તેઓના સાથીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને પોતાને ગૌરક્ષક જણાવે છે. અખેરાજસિંહ વાઘેલાની અગાઉ પણ મોબલીચીંગના ગુનામાં સંડોવણી થયેલ હતી અને તે હાલમાં જ પાસામાંથી છુટી બહાર આવેલ છે. આ સમાજ માટે હાનિકારક શખ્શોની વહેલીતકે ધરપકડ કરી ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટનાને કોઈ અંજામ ન આપે તે માટે કડકમાં કડક સજા કરવા માંગણી કરી હતી.
આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, પશુપાલનનો વ્યવસાય મુખ્યત્વે માલધારીઓ હિન્દુ ભાઈઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ પશુ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો મુખ્યત્વે મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે તો અમીરગઢ, બોર્ડર સહિત બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ હાઈવે સુધી ગૌરક્ષાના નામે ગુંડાગીર્દી કરનારાઓનો ખૂબ જ ત્રાસ હોઈ ગુનેગારોને જબ્બે કરવા હાઈવે ઉપર પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવા અમારી માંગણી છે.
કાયદા દ્વારા પ્રમાણિત તથા આરટીઓની પરમીટ ધરાવતા કાયદેસરના વાહનોમાં ભેંસ, પાડા, ઘેંટા કે, બકરાની ધંધાકીય હેતુ માટે હેરફેર કરતા વેપારીઓ પાસેથી ગૌરક્ષાના નામે ગુંડાગીર્દી કરતા તત્વો બળજબરીપૂર્વક હપ્તા ઉઘરાવે છે અને જો હપ્તા ન આપે તો ગેરકાયેદસર રીતે વાહનો પકડીને પોલીસને હવાલે કરતી આ ગેંગના ત્રાસમાંથી વેપારીઓને મુક્તિ અપાવવા કડક કાર્યવાહી કરવા અમારી માંગણી છે.