લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા અને બંને યુવતીઓ એક સાથે નાસી ગઈ
જામનગર,તા.૨૮
ફરી એક વખત લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રો લગ્ન કરવા માટે યુવતી શોધી રહ્યા હતા. તે સમયે અન્ય લોકો આ બંને મિત્રોના સંપર્કમાં આવ્યા અને તેમણે બંને મિત્રોને યુવતીઓ સાથે લગ્ન કરાવ્યા. જાે કે, લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ આ બંને યુવતીઓ એક સાથે નાસી ગઈ હતી.
બંને મિત્રોને લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું અહેસાસ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરવાની ઉતાવળ અને જાેયા જાણ્યા વગર લગ્ન કરવાની લાલચ અનેક વખત લોકોને ભારે પડી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વીરપુર ગામે રહેતા બે મિત્રો લુટેરી દુલ્હનનો ભોગ બન્યા છે.
વિરપુર ગામમાં રહેતા ૪૯ વર્ષના જગદીશ સાંઘાણી કે, જે ખેડૂત છે અને તેઓને પત્ની સાથે મનમેળ ન હોવાથી છૂટાછેડા થયેલા છે. જેથી તેઓ લગ્ન માટે યુવતી શોધી રહ્યા હતા. જગદીશભાઈને જામનગરમાં મીનાબેન શાહ સાથે મુલાકાત થઈ હતી. તેમણે લગ્ન માટે છોકરીઓ બતાવવાની વાત કરી હતી. મીનાબેને અમુક છોકરીઓના ફોટા બતાવી સુરતના કરજણ ખાતે મેરેજ બ્યુરોનું કામ કરતાં સરોજબેનનો સંપર્ક કરાવ્યો હતો. તેઓએ લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી.
આ સમગ્ર વાતચીત જગદીશભાઈ તેના જ ગામમાં રહેતા દીપકભાઈને કરી હતી. દિપકભાઈ પણ લગ્ન કરવા માટે યુવતી શોધી રહ્યા હતા. ત્યારે જગદીશભાઈ અને દીપકભાઈએ યુવતીઓના ફોટા પરથી લગ્ન કરવા માટે વાતચીત આગળ વધારી હતી. કરજણના સરોજબેન તેમજ જામનગરમાં મુલાકાત થયેલા મીનાબેન દ્વારા જગદીશભાઈ અને દીપકભાઈને અમદાવાદ સીટીએમ ખાતે બોલાવ્યા હતા. જ્યાંથી રામોલમાં નૈયા એપાર્ટમેન્ટ ખાતે આવેલા ગણેશ મેરેજ બ્યુરોમાં તેમને લઈ ગયા હતા. ગણેશ મેરેજ બ્યુરોમાં ધવલભાઈ તેમજ અસ્મિતાબેન દ્વારા તેમણે ત્રણ છોકરીઓ બતાવવામાં આવી હતી. પરંતુ જગદીશભાઈ અને દીપકભાઈને પસંદ નહીં આવતા તેઓએ લગ્ન માટે ના પાડી હતી. જેથી ધવલભાઇએ બંને પાસે ૫૦૦૦ રૂપિયા ભાડા પેટે પણ લીધા હતા. જાે કે, થોડી વારમાં ગણેશ મેરેજ બ્યુરોના ધવલભાઈએ જગદીશભાઈ અને દીપકભાઈને બોલાવ્યા હતા. અન્ય બે છોકરીઓને પણ ત્યાં બોલાવી અને બતાવી હતી. આ બંને છોકરીઓ જગદીશભાઈ અને દીપકભાઈને પસંદ આવી જતા ૨.૪૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. બંને મિત્રોએ તે જ દિવસે મીરજાપુર કોર્ટ પાસે આવેલા વકીલની ઓફિસમાં લગ્ન કર્યા હતા અને રૂપિયા ધવલભાઇને આપ્યા હતા. જે બાદ જગદીશભાઈ અને દીપકભાઈ તેમની પત્નીઓ કૈલાશ અને સીમા સાથે પોતાના ઘરે જામનગર જવા નીકળ્યા હતા. ત્યારે રાતના સમયે સરખેજ પાસે હોટલમાં જમવા ઊભા રહ્યા હતા. જ્યાં કૈલાસ અને સીમા બાથરૂમ જવાનું કહીને નાસી છૂટી હતી. હોટલ બહાર ઉભેલા જગદીશભાઈના કાકાએ અંદર આવીને કૈલાશ અને સીમા બંને હોટલ બહાર દોડતી એક ગાડીમાં બેસી નાસી ગઈ હોવાની જાણ કરી હતી. જે બાદ પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાનું ખ્યાલ આવતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.
હાલ તો રામોલ પોલીસ મથકમાં દીપકભાઈએ મેરેજ બ્યુરો ચલાવનાર ધવલભાઇ અને અસ્મિતા તેમજ પત્ની કૈલાસ અને સીમા આ ઉપરાંત સરોજ, શંકર અને ધવલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે પણ બંને લૂંટેરી દુલ્હનો અને વચેટિયાઓની શોધખોળ હાથ ધરી છે. જાે કે, આરોપીઓ જ્યારે પોલીસ પક્ડમાં આવશે ત્યાર બાદ જ ખ્યાલ આવશે કે, આ ટોળકી અગાઉ કોઈને લગ્નની લાલચ આપી છેતરપિંડી કરી છે કે કેમ..? જાે કરી હોય તો આ ટોળકીનો કેટલા લોકો શિકાર બન્યા છે તેની પણ પોલીસ તપાસ કરશે.
(જી.એન.એસ)